-સુપ્રીમ કોર્ટે મામલો ચૂંટણી પંચનાં અધિકાર ક્ષેત્રનો ગણાવીને ત્યાં રજૂઆત કરવા કહ્યું
નવીદિલ્હી,
તા.13: કોંગ્રેસનાં સાંસદ અને લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા
કર્ણાટકની ચૂંટણીમાં ગોટાળા અને મતચોરીનાં ગંભીર આરોપો લગાવ્યા હતાં. આની તપાસ માટે
માટે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી. જેને આજે સુપ્રીમ કોર્ટે રદ કરી
નાખી છે.
રાહુલ
ગાંધી તરફથી મતદાર યાદીમાં ગેરરીતિનાં આરોપ સાથે સીટની તપાસ માગવામાં આવી હતી. જસ્ટિસ
સૂર્યકાંત અને જોયમાલ્યા બાગચીની પીઠે કહ્યું હતું કે, અરજદાર પોતાની ફરિયાદનું સમાધાન
અન્યત્ર કરી શકે છે. જનહિત અરજી દાખલ કરીને કોર્ટમાં નહીં. અરજદારે કહ્યું હતું કે,
ચૂંટણી પંચને આવેદન પાઠવાયું હતું પણ તેનાં ઉપર કોઈ વિચારણા કરવામાં આવી નથી. તેથી
કોર્ટે કહ્યું હતું કે, જનહિતનાં નામે દાખલ કરવામાં આવેલી રિટ અરજી ઉપર વિચાર નહીં
કરવામાં આવે. અરજદાર પોતાની પાસે ઉપલબ્ધ વિકલ્પો માટે સ્વતંત્ર છે. આ મામલ ચૂંટણીપંચનાં
અધિકાર ક્ષેત્રમાં આવતો હોવાથી આ મુદ્દે તેની સમક્ષ જ ઉઠાવવો જોઈએ.
રદબાતલ
કરવામાં આવેલી આ જનહિત અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, મહાદેવપુરામાં 40 હજારથી વધુ
અવૈધ મતદાર, 10 હજારથી વધુ ડુપ્લિકેટ એન્ટી અને હજારો મતદારો એક જ મકાન નંબર કે એક
સરખા પિતાનાં નામ સાથે હોવાનું જોવા મળ્યું છે. મહારાષ્ટ્રમાં પણ આ પ્રકારની અનિયમિતતાનો
આરોપ લગાડવામાં આવ્યો અને ચાર માસમાં ત્યાં 39 લાખ મતદાર જોડવામાં આવ્યાં હતાં. ચંદ્રપુરમાં
આશરે 80 મતદારોનું સરનામુ એકસરખું દર્શાવવામાં આવેલું છે.