આદેશોનું પાલન નહીં થાય તો ફરી કોર્ટમાં હાજર થવું પડશે : 7મીએ ફેંસલો
નવી
દિલ્હી, તા. 3: રઝળતા શ્વાનોનાં ત્રાસ મુદ્દે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું
કે, જો તેનાં આદેશનાં પાલનમાં કોઈ ચૂક થશે તો રાજ્યોનાં મુખ્ય સચિવોને ફરીથી કોર્ટમાં
હાજર થવું પડશે.જો કે કોર્ટે કહ્યું હતું કે, હવે મુખ્ય સચિવોની રૂબરૂ હાજરી જરૂરી
નથી. સુપ્રીમ કોર્ટે આ મામલે 7મી નવેમ્બરે ફેંસલો આપવાનું મુકરર કર્યું છે અને કહ્યું
હતું કે, તે હવે એવા લોકોને સાંભળશે જેમને કૂતરાઓએ બચકાં ભર્યા છે. ત્યારબાદ 7મીએ આદેશ
આપવામાં આવશે.
સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા અદાલતને જણાવવામાં આવ્યું હતું કે, મોટાભાગનાં રાજ્યો તરફથી અનુપાલન અંગે સોગંદનામા દાખલ કરી દેવામાં આવ્યા છે. બીજીબાજુ કોર્ટે આ મામલામાં ભારતીય જીવજંતુ કલ્યાણ બોર્ડને પણ આમાં પક્ષકાર બનાવવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ પહેલા રઝળતા કૂતરાનાં ત્રાસ મુદ્દે રાજ્ય સરકારો તરફથી કોર્ટનાં નિર્દેશનાં પાલન અંગે સોગંદનામા કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા ન હોવાનાં કારણે સુપ્રીમ કોર્ટ નારાજ થઈ હતી અને મુખ્યસચિવોને કોર્ટમાં રૂબરૂ હાજર થવાનો આદેશ આપ્યો હતો. જેને પગલે આજે કેરળ સીવાયનાં તમામ મુખ્ય સચિવો કોર્ટમાં હાજર થયા હતાં. કેરળનાં મુખ્ય સચિવનાં સ્થાને પ્રધાન સચિવ હાજર થયા હોવા અંગેનું આવેદન પણ અદાલતે સ્વીકાર્યું હતું.