-અમેરિકાના કેંટાકીમાં બન્યો ભયાનક અકમાસ્માત : આસપાસના બે ગોડાઉન પણ રાખ થયા
લુઈવિલ,
તા. 5 : અમેરિકાના કેંટાકી રાજ્યના લુઈવિલ મુહમ્મદ અલી ઈન્ટરનેશનલ એરપોર્ટે એક ભયાનક
અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેકઓફના અમુક સેકન્ડમાં જ એક યુપીએસ કાર્ગો પ્લેન હવામાં
ડગમગ્યું હતું અને રનવે પાસે જમીન ઉપર પડતા જ જ્વાળામુખી જેવી આગની લપેટોમાં ઘેરાયું
હતું. પ્લેનમાં લગભગ દોઢ લાખ લીટર જેટ ફ્યુલ ભરેલું હતું. જે ફૂટતા જ આગના ગોટા ઉડયા
હતા. વધુમાં આસપાસના બે ગોડાઉન પણ આગમાં ખાખ થયા હતા. આ બનાવમાં સાત લોકોના મૃત્યુ થયા છે. તેમજ 11ને
ઈજા પહોંચી છે.
એરપોર્ટ
ઉપર હાજર લોકો અનુસાર સાંજે અંદાજીત 5.15 વાગ્યે વિમાને ઉડાન ભરી હતી. જો કે અચાનક
જ વિમાનની ઉંચાઈ ઘટવા લાગી હતી અને અમુક સેકન્ડમાં જ જોરદાર ધડાકા સાથે વિમાન જમીન
ઉપર પડયું હતું અને આકાશમાં ધુમાડાનો વિશાળા ગુબ્બારો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયામાં
સામે આવેલા વિડિયો અનુસાર એરપોર્ટની પૂરી રનવે લાઈન આગમાં ઘેરાયેલી છે અને જ્વાળામુખીના
લાવા જેવા દૃશ્યો સર્જાયા હતા.
સ્થળ
ઉપર પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમને આગ ઉપર કાબૂ મેળવવામાં ત્રણ કલાક લાગ્યા હતા. બનાવમાં
સાતના મૃત્યુ થયા છે અને 11 જેટલા લોકોને ઈજા પહોંચી છે. બે લોકો લાપતા છે. બનાવ દરમિયાન
બે ગોડાઉનમાં પણ આગ લાગી હતી અને ઈમારત પૂરી રીતે તબાહ થઈ હતી. આ બનાવની તપાસ શરૂ કરવામાં
આવી છે. પ્રાથમિક અનુમાન છે કે જેટ ફયુલ લિકેજ કે એન્જિન ફેલિયરના કારણે દુર્ઘટના બની
છે.