• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

અમેરિકાને અઠવાડિયે 15 અબજ ડોલરનું નુકસાન

ભારતને મૃત અર્થતંત્ર કહેનારા ટ્રમ્પની નીતિનો ધબડકો

વોશિંગ્ટન તા.8 : અહેવાલ મુજબ સરકારી શટડાઉનથી અમેરિકાને દર અઠવાડિયે 15 અબજ ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. અમેરિકાને ફરી મહાન બનાવવાનું ચૂંટણી વચન આપનારા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો છે. તેમના પહેલા કાર્યકાળ દરમિયાન સરકારી શટડાઉનનો રેકોર્ડ આ વખતે તૂટી ગયો છે. 2018-2019નું શટડાઉન 35 દિવસનું સૌથી લાંબુ હતું, જેમાં ફક્ત એક આંશિક શટડાઉન હતું. આ વખતે 38 દિવસ થયા છે અને તે સમાપ્ત થવાના કોઈ સંકેત નથી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અનુસાર, સ્ટાફની તીવ્ર અછતને કારણે દેશના 40 સૌથી વ્યસ્ત એરપોર્ટ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. શુક્રવારે 1200 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.  

નિષ્ણાતો કહે છે કે જો આ શટડાઉન લાંબા સમય સુધી ચાલુ રહેશે તો તેની અર્થતંત્ર પર મોટી અસર પડી શકે છે. સામાન્ય રીતે સરકારી શટડાઉનને કારણે થતું આર્થિક નુકસાન અલ્પજીવી હોય છે. શટડાઉન સમાપ્ત થતાંની સાથે જ આ નુકસાન આપમેળે ફરી જાય છે. પરંતુ આ વખતે 1 ઓક્ટોબરથી શરૂ થયેલ શટડાઉન પહેલાથી જ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રને નોંધપાત્ર નુકસાન પહોંચાડી રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક