• બુધવાર, 12 નવેમ્બર, 2025

દિલ્હી બ્લાસ્ટ : માસ્ટરમાઇન્ડ ડો. ઉમરની ‘કુંડળી’ ખૂલી

ડો. ઉમર આતંકી તબીબોનો નેતા; ફરીદાબાદને બનાવ્યો અડ્ડો : સહયોગીઓની પૂછતાછ જારી

નવી દિલ્હી, તા. 11 : દિલ્હી બોમ્બ વિસ્ફોટના માસ્ટરમાઇન્ડ, પુલવામાના રહેવાસી અને વ્યવસાયે ડોક્ટર ઉમર નબી વિશે ઘણા ખુલાસા થઇ રહ્યા છે. ડો. ઉમર મોહંમદ આતંકવાદી ડોક્ટરોનો નેતા હતો. તેણે 2021માં તબીબી અભ્યાસ વખતે જ સંગઠન બનાવવાનું નક્કી કરી ડો. મુઝમ્મિલ અને ડો. આદિલને  સંગઠનમાં ભરતી કર્યા હતા. ઉમરે અનંતનાગમાં એક હોસ્પિટલના લોકરમાં એક એકે-47 રાખી હતી.

ભાડાંના રૂમને બનાવ્યું વિસ્ફોટકનું ગોદામ

અનંતનાગથી પરત ફર્યા પછી તેણે ફરીદાબાદના એક ગામમાં એક ઓરડો ભાડે લીધો. તેણે ફરીદાબાદના દૌજ અને ફતેહપુર ટાગા ગામમાં રૂમ ભાડે રાખ્યા હતા. ઉમર અને મુઝમ્મિલ ભાડાના મકાનોમાં વિસ્ફોટકોનો સંગ્રહ કરતા હતા. ડો. ઉમર મોહંમદ અને મુઝમ્મિલ ગની જે રૂમમાં રહેતા હતા ત્યાં બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી હતી. તેઓએ ફતેહપુર ટાગા ગામમાં ભાડાના રૂમમાં એમોનિયમ નાઇટ્રેટનો સંગ્રહ કર્યો અને તેને આતંકવાદી સામગ્રી માટે ગોદામમાં ફેરવી દીધો હતો.

ફરીદાબાદમાં બોમ્બ બનાવવાનું કાવતરું ક્યારે ખૂલ્યું ?

ડો. મુઝમ્મિલનું નામ ઓક્ટોબરમાં સામે આવ્યું જ્યારે જમ્મુ અને કાશ્મીર પોલીસે  ખીણમાં એક આતંકવાદી જૂથના પોસ્ટરોની તપાસ શરૂ કરી હતી. 30 ઓક્ટોબરના જ્યારે મુઝમ્મિલની ધરપકડ કરવામાં આવી, ત્યારે ફરીદાબાદ બોમ્બ  બનાવવાના કાવતરાંનો  પર્દાફાશ થયો હતો, જેમાં તેના નેતા ડો. ઉમર મોહમ્મદની ઓળખ પણ સામેલ હતી.

ડો. ઓમરના કાકીએ શું કહ્યું ?

ડો. ઉમરની કાકી તબસ્સુમે એક સમાચાર ચેનલ સાથે વાત કરતાં કહ્યું કે, ઉમર બે મહિના પહેલાં ઘરે પાછો ફર્યો હતો અને અનંતનાગમાં કામ કરતો હતો. સૂત્રો સૂચવે છે કે, ડો. ઉમરનું દિલ્હીમાં આઇ-20 કાર બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ થયું હતું. હવે ડીએનએ નમૂનાઓ કારણની પુષ્ટિ કરશે.

મુઝમ્મિલના પરિવારે શું કહ્યું ?

આ દરમિયાન ફરીદાબાદમાં  પકડાયેલા આતંકવાદી ડો. મુઝમ્મિલના પરિવારે પણ પ્રતિક્રિયા આપી છે. મુઝમ્મિલના પરિવારનું કહેવું છે કે, તે ચાર વર્ષ પહેલાં ઘર છોડીને ગયો હતો અને કોઇ તેનું ઠેકાણું ખબર નથી.

આતંકી ડો. મુઝમ્મિલના સહયોગીઓની પૂછપરછ

દિલ્હીમાં કાર બોમ્બ વિસ્ફોટ બાદ ફરીદાબાદમાં કાર્યવાહી ચાલુ છે. ફરીદાબાદ પોલીસ અલ ફલાહ યુનિવર્સિટીમાં આતંકવાદી ડો. મુઝમ્મિલના સહયોગીઓની પૂછપરછ કરી રહી છે. વિદ્યાર્થીઓ, સ્ટાફ અને પ્રિન્સિપાલની પૂછપરછ કરવામાં આવી છે. આતંકવાદી મોડયુલ અંગે છ વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.

લખનઉની ડોકટરની ધરપકડ

શાહીનને ભારતમાં મહિલા આતંકીઓની ભરતીની જવાબદારી સોંપાઇ હતી

કાશ્મીરી ડોક્ટર મુઝમ્મિલની સાથી શાહીન  જૈશ સાથે સંકળાયેલી

નવી દિલ્હી, તા. 11 : સોમવારની સાંજે દિલ્હીમાં થયેલા શક્તિશાળી કાર વિસ્ફોટની ઝડપી તપાસ વચ્ચે લખનઉ સ્થિત એક મહિલા તબીબ શાહીન શાહિદની ધરપકડ કરવામાં આવી છે. એવા અહેવાલ છે કે, તે નાપાક સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલી હતી અને તેને મહિલા આતંકીઓની ભરતીની જવાબદારી અપાઈ હતી.

એક મીડિયા અહેવાલ મુજબ જૈશે મહિલા ત્રાસવાદીઓની એક અલગ પાંખ બનાવી છે, જેને જમાત ઉલ-મોમિનાત નામ અપાયું છે. તેનું નેતૃત્વ પાકિસ્તાનમાં ખૂંખાર આતંકવાદી મસૂદ અઝહરની બેન સાદિયા અઝહર સંભાળે છે અને શાહીનને ભારતમાં મહિલા ત્રાસવાદીઓની ટીમ બનાવવાની જવાબદારી અપાઈ હતી.

શાહીન કથિતપણે અલ ફલાહ યુનિવર્સિટીની સભ્ય છે. કાશ્મીરી તબીબ ડો. મુઝમ્મિલ ગનઈ ઉર્ફે મુસૈબ સાથે નજીકના સંબંધો ધરાવે છે. મુઝમ્મિલ ફરીદાબાદમાં 2900 કિલો વિસ્ફોટકો અને જ્વલનશીલ પદાર્થો કબજે કરાયા બાદ ઝડપાયો હતો. પાકિસ્તાનના બહાવલપુરમાં આઠમી ઓક્ટોબરે મહિલાઓની ભરતીનું એલાન કરાયું હતું અને તેની કમાન શાહીન શાહિદને મળી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક