• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

કરડી જનારા તો સંસદમાં છે : રેણુકા ચૌધરીની હરકત અને બફાટથી વિવાદ

કોંગ્રેસ સાંસદ પાળતું શ્વાન લઈને પહોંચ્યા સંસદ ભવન : ભાજપે કરી કાર્યવાહીની માગણી

નવીદિલ્હી,તા.1 : સંસદનાં શિયાળુ સત્રનો આજથી આરંભ થઈ ગયો હતો અને જેની આશંકા હતી એ મુજબ જ ભારે હંગામાનાં કારણે લોકસભાની કાર્યવાહી સ્થગિત પણ કરવી પડી હતી. જો કે આ દરમિયાન આજે સંસદનાં પરિસરમાં એક અનોખો નજારો ઉભો થયો હતો. જેમાં કોંગ્રેસનાં સાંસદ રેણુકા ચૌધરીની એક ચેષ્ટાએ વિવાદ પણ ઉભો કરી દીધો છે. તેઓ સંસદનાં પરિસરમાં પોતાનાં પાળતું શ્વાન સાથે આવી પહોંચ્યાં હતાં અને ઉચ્ચ સુરક્ષાનાં ક્ષેત્રમાં તેમની આ હરકતને ભાજપના સાંસદો દ્વારા વખોડી કાઢવામાં આવી હતી.

ચૌધરીને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, મૂંગું જાનવર અંદર આવી જાય તો તકલીફ શું છે ? આટલેથી નહીં અટકતા તેમણે એવો કટાક્ષ પણ કર્યો હતો કે, આ કોઈને કરડતો નથી. કરડી જાય એવાનો સંસદની અંદર છે. રેણુકા ચૌધરીના આ વિધાને વિવાદ પેદા કરી નાખ્યો છે અને ભાજપે આને મુદ્દે બનાવીને કાર્યવાહી કરવાની માગણી પણ કરી છે.

રેણુકા ચૌધરી આજે પોતાની કારમાં સંસદનાં પરિસરમાં પહોંચ્યા ત્યારે મીડિયાકર્મીઓએ તેમની સાથે વાર્તાલાપ માટે અટકાવ્યાં હતાં. એ વખતે તેમની સાથે કારમાં પાળેલો શ્વાન પણ હતો. ચૌધરી તો પોતાની કારમાંથી ઉતરીને આગળ ધપી ગયાં હતાં પણ તેમાં બેઠેલો કૂતરો ચર્ચાનાં કેન્દ્રમાં આવી ગયો હતો. પત્રકારોએ જ્યારે તેમને આ વિશે સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, સરકારને કદાચ જાનવરોનું અંદર રહેવું પસંદ નહીં હોય પણ આમાં વાંધો શું છે? આ કેટલો નાનો જીવ છે. તે કોઈને કરડશે નહીં. તેમણે આગળ કહ્યું કે, જો કોઈ કરડે એવો ડર હોય તો તે આ કૂતરું નહીં બલકે સંસદમાં બેઠેલા કેટલાક લોકો છે. તો પછી આ સંસદ માટે મુદ્દો કેમ ન હોઈ શકે? જે કરડે છે એ તો સંસદની અંદર છે.

ઉલ્લેખનીય છે કે, પાળતું જાનવરને સંસદમાં લાવવા નિયમભંગ છે. સંસદના કાયદા અનુસાર સંસદ ભવન પરિસરના વ્યવહાર અને આચરણ નિયમ અને લોકસભા હેન્ડબૂક ફોર મેમ્બર્સ હેઠળ તે ખોટું છે. રેણુકા ચૌધરીનાં કટુ કટાક્ષ અને તેમની હરકત પછી ભાજપે તેમનાં ઉપર તડાપીટ બોલાવી દીધી છે અને તેમની સામે કાર્યવાહીની માગણી કરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક