• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

આખા દેશની વસતી ખરીદવા નિકળ્યા ટ્રમ્પ ગ્રીનલેન્ડના દરેક નાગરિકને સરેરાશ રુ.90 લાખની ઓફર

વોશિંગ્ટન તા.9 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ગ્રીનલેન્ડની આખી વસ્તી ખરીદવાની યોજના બનાવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ગ્રીનલેન્ડનો પીછો કરી રહેલા ટ્રમ્પે વારંવાર કહ્યું છે કે ગ્રીનલેન્ડ અમેરિકાની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે અને અમેરિકાને તેની દરેક કિંમતે જરૂર છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાંસદોને સ્પષ્ટ કરી ચૂકયા છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર કબજો કરવા નહીં પરંતુ તેને ખરીદવા ઈચ્છે છે.

નવા ઘટનાક્રમમાં ગ્રીનલેન્ડ મેળવવા અમેરિકાએ તે દેશના 57000 નાગરિકોની કિંમત નક્કી કર્યાનો એક વિદેશી મીડિયાએ દાવો કર્યો છે. મીડિયા અહેવાલમાં આ બાબતથી પરિચિત સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે અમેરિકન અધિકારીઓએ ગ્રીનલેન્ડના લોકોને ડેનમાર્કથી અલગ થવા અને અમેરિકામાં જોડાવા માટે સમજાવવા એક સાથે રકમ મોકલવાની ચર્ચા કરી છે.

વ્હાઇટ હાઉસના સહાયકો અને અમેરિકન અધિકારીઓએ પ્રતિ વ્યક્તિ 10,000 થી 100,000 ડોલર (ભારતીય રૂપિયામાં સરેરાશ 90 લાખ) સુધીની રકમની ચર્ચા કરી છે, જેનો અર્થ છે કે અમેરિકા 6 બિલિયન ડોલર સુધી ખર્ચ કરી શકે છે. અગાઉ અમેરિકન અધિકારીઓએ જણાવ્યું છે કે જો જરૂરી હોય તો ગ્રીનલેન્ડને જોડવા માટે શક્ય કોઈપણ માધ્યમનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં લશ્કરી દળનો પણ સમાવેશ થાય છે. દરમિયાન ફ્રાન્સ, જર્મની, ઇટાલી, પોલેન્ડ, સ્પેન, બ્રિટન અને ડેનમાર્ક દ્વારા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ગ્રીનલેન્ડ તેના લોકોનું છે અને ફક્ત તેના લોકો જ નિર્ણય લેશે. ડેનમાર્કે કહ્યું હતું કે ગ્રીનલેન્ડના સાર્વભૌમત્વ પર હુમલો નાટોના વિસર્જન તરફ દોરી જશે. ડેનમાર્કના સંરક્ષણ મંત્રાલયે ચેતવણી આપી કે જો અમેરિકા ગ્રીનલેન્ડ પર હુમલો કરશે તો પહેલી ગોળી અમે મારીશું, પછી સવાલ પૂછીશું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક