આગ લાગવાના બનાવ વધતાં કેન્દ્ર સરકારનો નિર્ણય
નવી દિલ્હી, તા.9 : દેશમાં છેલ્લા
થોડા સમયથી સ્લીપર બસોમાં આગ લાગવા અને જાનહાનિ થવાના બનાવોમાં વધારા વચ્ચે કેન્દ્રીય
માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે હવે સ્લીપર બસોનું નિર્માણ
માત્ર ઓટોમોબાઈલ કંપનીઓ કે સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત સંસ્થાન જ કરી શકશે.
તેમણે કહ્યું કે વર્તમાન સ્લીપર
બસોને પણ નવા સુરક્ષા માપદંડ મુજબ સુધારવી પડશે. સ્લીપર કોચ બસોમાં સતત વધતી આગની ઘટનાઓને
અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગડકરીએ જણાવ્યું હતું કે અગાઉથી પરિચાલનમાં
રહેલી સ્લીપર બસોમાં ફાયર ડિટેક્શન સિસ્ટમ, આપાતકાલીન નિકાસ, ઈમરજન્સી લાઈટિંગ અને
ડ્રાઈવર ડ્રોજીનેસ ઈન્ડિકેટર લગાવવાનું અનિવાર્ય
રહેશે. તેમણે જણાવ્યું હતું કે વીતેલા છ મહિનામાં સ્લીપર કોચ બસોથી જોડાયેલી આગની છ
મોટી ઘટના સામે આવી હતી જેમાં 145 લોકોનાં મોત થયાં હતાં.