ગણતંત્ર દિવસ પૂર્વે નાપાક હરકતનો પર્દાફાશ : સાંબા પાસે પિસ્તોલ, ગ્રેનેડ કબજે
નવી દિલ્હી, તા. 10 : ગણતંત્ર
દિવસથી બરાબર પહેલાં જમ્મુમાં હિંસા ફેલાવવાના કારસાના અહેવાલો વચ્ચે સુરક્ષા દળોએ
શનિવારે આતંકવાદને પોષતાં પાકિસ્તાનની નાપાક હરકતનો પર્દાફાશ કર્યો હતો.
સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય
સીમા પાસે પાકે ડ્રોન દ્વારા ફેંકેલાં હથિવારો કબજે કરી લઇ સેનાએ હિંસાનાં ષડયંત્રને
નાકામ કર્યું હતું. સુરક્ષા દળોને હથિયારોની ખેપમાં બે પિસ્તોલ, ત્રણ મેગઝીન, 16 રાઉન્ડ
અને એક ગ્રેનેડ સહિત ‘મોતનો સામાન’ મળી આવ્યો હતો.
ગણતંત્ર દિવસની ઉજવણીના ઉમંગમાં
ભંગ પાડવાના નાપાક ઇરાદા સાથે પાકનાં પીઠબળથી આતંકવાદી હુમલાના પ્રયાસને નાકામ કરવા
સેના સતત સતર્ક છે.
એક ડ્રોનની સંદિગ્ધ ગતિવિધિની
બાતમી મળ્યા બાદ સીમા સુરક્ષા દળ (બીએસએફ) અને કાશ્મીર પોલીસ એસઓજીની ટીમેએ સંયુક્ત
તલાશી અભિયાન છેડયું હતું. હકીકતમાં અત્યારે કાશ્મીરમાં કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસનો
ગેરલાભ લઇને પાકિસ્તાન આતંકવાદી ઘૂસણખોરીમાં મદદ કરે છે. સાથોસાથ ડ્રોનથી હથિયારો પહોંચાડીને
જમ્મુમાં સક્રિય આતંકવાદીઓને મદદ કરવાની છીછરી હરકત પાક કરી રહ્યું છે.