• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

હિજાબ પર રાજકીય ઘમસાણ

હિજાબ પહેરનાર એક દિવસ દેશની પીએમ હશે; ઓવૈસી : ભાજપના પ્રહાર : ઈસ્લામિક દેશમાં જાવ

મુંબઈ, તા. 10 : ‘િહજાબ’ શબ્દનો ઉપયોગ વધુ એકવાર રાજકીય ઘમસાણનું કારણ બની ગયો છે. એઆઈએમઆઈએમ અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે, એક દિવસ હિજાબ પહેરનાર પુત્રી દેશની વડાપ્રધાન બનશે.

ઓવૈસી પર પલટવાર કરતાં મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને ભાજપનેતા નિતેશ રાણેએ કહ્યું હતું કે, ભારત એક હિન્દુરાષ્ટ્ર છે અને આ રાષ્ટ્રમાં આવાં નિવેદનો ન આપી શકાય.

જે લોકો આવાં પદો પર બેસવા માગે છે, તેમણે ઈસ્લામિક દેશોમાં ચાલ્યા જવું જોઈએ. અમે બુરખા, હિજાબ પહેરનાર સાથે ઓવૈસીને પણ બેસાડીને અહીંથી ભગાડી દઈશું, તેવું રાણેએ કહ્યું હતું.

ઓવૈસીએ વિવાદસર્જક નિવેદન સાથે જણાવ્યું હતું કે, જે પક્ષો આજે દેશમાં મુસ્લિમો સામે નફરત ફેલાવવાનું કામ કરે છે, તેમની દુકાન હવે વધુ દિવસ ચાલવાની નથી.

જે લોકો મુસલમાનો વિરુદ્ધ નફરત ફેલાવી રહ્યા છે, તેમનો અંત થશે. પ્રેમનું શાસન આવશે, ત્યારે લોકોને અહેસાસ થશે કે, કેવી રીતે લોકોનાં મગજમાં ઝેર ભરાતું હતું, તેવું ઓવૈસી બોલ્યા હતા.

ભાજપ પ્રવક્તા શહજાદ પુનાવાલાએ કહ્યું હતું કે, બંધારણ કોઈને નથી રોકતું, પણ ઓવૈસીને પડકાર ફેંકું છું કે, હિજાબ પહેરનારને તેમનાં પક્ષના અધ્યક્ષ બનાવી આપે.

 

ઇ-પેપરના નવા શુલ્ક