નવી દિલ્હી, તા.10 : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલે જણાવ્યું હતું કે ભારતની સ્વતંત્રતા મોટી કિંમત ચૂકવીને પ્રાપ્ત થઈ હતી. દેશ સ્વતંત્ર થાય તે પહેલાં પેઢીઓથી ભારતીયોએ અપમાન, વિનાશ અને અપાર નુકસાન સહન કર્યું છે. મંદિરો લૂંટાયાં ત્યારે આપણે લાચાર હતા. ઈતિહાસના એ પડકારોનો સામનો કરવા યુવાઓમાં આગ હોવી જોઈએ.
તેમણે યુવાનોને ઇતિહાસમાંથી શક્તિ
મેળવવા, તેમાંથી શીખવા અને તેમનાં મૂલ્યો, અધિકારો અને માન્યતાઓના આધારે મજબૂત અને
મહાન ભારત બનાવવા માટે કામ કરવા હાકલ કરી જણાવ્યું હતું કે આજના યુવાનો પાસે તે પ્રજ્વલિત
ભાવના હોવી જોઈએ.
ડોભાલે ભારત મંડપમ ખાતે આયોજિત
વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા કહયું કે સ્વતંત્ર ભારત હંમેશાં
એટલું સ્વતંત્ર નહોતું જેટલું આજે દેખાય છે. આ પાછળ આપણા પૂર્વજોના અસાધારણ બલિદાન
છે. આપણા પૂર્વજોએ ભયંકર અપમાન સહન કર્યું, લાચારીના સમયગાળા સહન કર્યા અને ઘણાએ ફાંસીનો
સામનો કર્યો. આપણાં મંદિરો લૂંટાયા અને આપણે મૂક પ્રેક્ષક બનીને ઉભા રહ્યા. આપણા ગામડાઓ
સળગાવી દેવામાં આવ્યા, આપણી સભ્યતાનો નાશ થયો. આ ઇતિહાસ આજે દરેક યુવા માટે એક પડકાર
છે. આ પડકારનો સામનો કરવા માટે દરેક યુવાની અંદર આગ હોવી જોઈએ.