લેબનોનમાં ઈઝરાયલી સેનાનો કહેર : નવેસરથી હુમલામાં અનેકનાં મૃત્યુ
નવી
દિલ્હી, તા.પ: દક્ષિણ ઈરાનના એક બંદર પર અનેક જહાજોમાં આગ લાગી હોવાનાં અહેવાલો આવી
રહ્યાં છે. આ ઉપરાંત લેબનોનમાં છેલ્લા 24 કલાક દરમિયાન ઇઝરાયલી હુમલાઓમાં અનેક લોકોનાં
મૃત્યુ થયાની માહિતી મળી છે. મીડિયાનાં અહેવાલો અનુસાર ઈરાનના દક્ષિણ બંદર ડેયરમાં
ઘણા વેપારી જહાજોમાં આગ લાગી ગઈ હતી. માહિતી મળતાં જ આગ અગ્નિશામક દળોની ટુકડીઓ દ્વારા
આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. આગની ઘટનાનું
કારણ હજી સુધી જાણી શકાયું નથી અને આગ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી ગયા પછી જ તેનું કારણ
જાહેર કરવામાં આવે તેવી સંભાવના જોવામાં આવે છે. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે
આ વિસ્તાર અને હોર્મુઝમાં તનાવ યથાવત્ છે. યુદ્ધવિરામ વચ્ચે પણ અમેરિકા અને ઈરાન તરફથી
જે રીતે ખેંચતાણ ચાલી રહી છે તે ગમે ત્યારે ફરીથી યુદ્ધ ભડકવાની આંશકા જગાડનારી છે.
ઈરાની
સંસદના સ્પીકર અને મુખ્ય વાટાઘાટકાર મોહમ્મદ બાઘેર ગાલિબાફે કહ્યું હતું કે, હોર્મુઝ
જળમાર્ગમાં નવી પરિસ્થિતિ ઉભી થઈ રહી છે. તેમના કહેવા મુજબ હવે જહાજોની સુરક્ષાની જવાબદારી
ઈરાન અને તેના સહયોગીઓએ સંભાળી લીધી છે. ગાલિબાફે ચેતવણી આપી હતી કે જો અમેરિકા સીઝફાયરનું
ઉલ્લંઘન કરે અને નાકાબંધી ચાલુ રાખે તો સુરક્ષા પર ખતરો ઊભો થશે. તેમણે વધુમાં કહ્યું
હતું કે હાલની પરિસ્થિતિ અમેરિકા માટે અસહ્ય છે અને ઈરાને હજી સુધી પોતાની કાર્યવાહી
સંપૂર્ણ રીતે શરૂ પણ કરી નથી, જેનાથી તણાવ વધુ વધી શકે છે. ઇઝરાયલી સેનાએ દક્ષિણ લેબનોનનાં
શહેરો, ખાસ કરીને જબશીટ અને સરાફંદનાં રહેવાસીઓને સ્થળ ખાલી કરવા આદેશ આપ્યો છે. રિપોર્ટ
મુજબ લોકોને તરત જ સ્થળ છોડીને ગામો અને શહેરોથી લગભગ એક કિલોમીટર દૂર ખુલ્લા વિસ્તારોમાં
જવા કહી દેવામાં આવ્યું છે. સેનાએ ચેતવણી આપી કે આ વિસ્તારોની નજીક રહેવું જીવ માટે
જોખમી સાબિત થઈ શકે છે. ઇઝરાયલી સેનાએ આ વિસ્તારોને
હિઝબુલ્લાહનાં ઠેકાણા ગણાવ્યા છે.