• સોમવાર, 18 મે, 2026

આપનો ‘ડખો’ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યો

પંજાબના સીએમ ધારાસભ્યો સાથે તો આપ છોડી ચૂકેલા રાઘવ ચઢ્ઢાએ પણ રાષ્ટ્રપતિ સમક્ષ કરી રજૂઆતો

નવી દિલ્હી, તા.5 : આમ આદમી પાર્ટીમાં ચાલી રહેલો ડખો આજે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યો હતો. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમના તમામ ધારાસભ્ય સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળવા પહોંચ્યા હતા. જોકે તેમના પહોંચવા પહેલાં આમ આદમી પાર્ટી છોડી ચૂકેલા રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા,સંદીપ પાઠક, અશોક  મિત્તલ અને રાજેન્દ્ર ગુપ્તાએ પણ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ રાઘવ ચઢ્ઢાએ આપ અને પંજાબ સરકાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે અમે રાષ્ટ્રપતિને જણાવ્યું હતું કે પંજાબ સરકાર કઈ રીતે આપ છોડીને ભાજપમાં જોડાયેલા સાંસદો સામે બદલાની ખતરનાક રાજનીતિ માટે સરકારી યંત્રણાનો ઉપયોગ કરી રહી છે. વિશ્વકપ વિજેતા હરભજનસિંહના નિવાસની બહાર આપ કાર્યકર્તાઓએ પંજાબ પોલીસની મદદથી ‘ગદ્દાર’ લખ્યું હતું.

ચઢ્ઢાએ એમ પણ કહ્યું કે પંજાબમાં પદ્મશ્રી રાજેન્દ્ર ગુપ્તાની ફેક્ટરીનું પાણીનું જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું. સંદીપ પાઠક સામે દુર્ભાવનાપૂર્ણ ઈરાદે એફઆઈઆર દર્જ કરાવાઈ હતી. હવે હું પણ નિશાને હોઈ શકું છું એમ ચઢ્ઢાએ ઉમેર્યું હતું.

દરમ્યાન, રાષ્ટ્રપતિને મળી આવ્યા બાદ સીએમ માને કહ્યું કે અમે દેશમાં થઈ રહેલી ‘લોકતંત્રની હત્યા’ સામે મજબૂતીથી અવાજ બુલંદ કર્યો હતો. ગેરબંધારણીય ઢબે પક્ષોને તોડવા અને ઈડી-સીબીઆઈ જેવી કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરીને દાગી નેતાઓને ભાજપના ‘વોશિંગ મશીન’માં સાફ કરવા આપણા બંધારણીય માળખાંથી સીધી રમત છે.

અમે સ્પષ્ટ કર્યું હતું કે પંજાબમાં ‘ઓપરેશન લોટસ’ સફળ થશે નહીં. અમારા ધારાસભ્ય લાખો પંજાબીઓનો અવાજ છે.

ઇ-પેપરના નવા શુલ્ક