• સોમવાર, 18 મે, 2026

ડિસમિસ કરો પણ રાજીનામું નહીં આપું : મમતા

- અસ્પષ્ટ આરોપોની તપાસ ન થઈ શકે : મમતાના આરોપો  ઉપર ચૂંટણી પંચનો જવાબ

 

કોલકાતા, તા. 6 : તૃણમૂલ કેંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યમંત્રીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ડિસમીસ કરો પણ રાજીનામું આપશે નહી. મમતા બેનરજી પોતાના નિર્ણય ઉપર પુરી રીતે અડગ છે. મંગળવારથી સતત થઈ રહેલી આલોચના વચ્ચે બુધવારે ફરીથી મમતાએ કહ્યું હતું કે ભલે તેઓને હટાવવામાં આવે, તેઓ ઈચ્છે છે કે એક કાળો દિવસ બને. વિધાયકો સાથેની બેઠકમાં મમતા બેનરજીએ કહ્યું હતું કે પાર્ટી 29 એપ્રિલથી ચાલી રહેલી ચૂંટણી બાદની હિંસા સામે કોર્ટ જશે.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હાર્યા બાદ મમતા બેનરજીએ રાજીનામું આપવાનો ઈનકાર કરી દીધો છે અને ચૂંટણી પંચ ઉપર સાજિશનો આરોપ મુક્યો હતો. હવે આ મામલે પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીએ મમતા બેનરજીના તમામ આરોપોને નકારતા પોતાનો જવાબ જાહેર કર્યો છે. મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈઓ) મનોજ કુમાર અગ્રવાલે પોતાના જવાબમાં કહ્યું હતું કે અસ્પષ્ટ આરોપોની તપાસ થઈ શકે નહી. વધુમાં પુરાવાની કમી અને કોઈપણ ઔપચારિક ફરિયાદ થઈ ન હોવાનો હવાલો આપ્યો હતો.

મમતા બેનરજીએ પોતાના આરોપોમાં ઈવીએમમાં હેરફેરની ચિંતા વ્યક્ત કરી હતી. જેના જવાબમાં અગ્રવાલે કહ્યું હતું કે, અસ્પષ્ટ આરોપોની તપાસ કરી શકાય નહી, જો કોઈ ખાસ વાત ન હોય તો જવાબ આપી શકાય નહી. મશીન ક્યા હતા, ક્યા ટેબલે હતા, કઈ વિધાનસભા સીટના હતા ? આ તમામ વાતો સાફ ન હોય તો જવાબ કેવી રીતે આપવો ? વધુમાં મમતાએ દાવો કર્યો હતો કે મત ગણતરી કેન્દ્રમાં તેમની સાથે મારામારી થઈ હતી. જેના ઉપર સીઈઓએ કહ્યું હતું કે પુરી પ્રક્રિયા દરમિયાન કેમેરા ઓન હતા. મમતા બેનરજી કે તેમની ટીમ દ્વારા આવા કોઈ બનાવ અંગે ફરિયાદ કે એફઆઈઆર કરાવી નથી.

સીસીટીવી પણ બંધ થયા નથી અને ડીઈઓ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે કોઈ મારામારી થઈ નથી. જો આવો બનાવ બને તો ફરિયાદ નોંધાવવામાં આવે છે અને એફઆઈઆર થાય છે. અગ્રવાલે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતા કહ્યું હતું કે મતગણના પ્રક્રિયા આરઓ દ્વારા ડીઈઓના માર્ગદર્શનમાં થાય છે, જેમાં સીઈઓની કોઈ ભૂમિકા હોતી નથી.

ઇ-પેપરના નવા શુલ્ક