- ભાજપના બે અને ટીએમસીના એક કાર્યકર્તાનું મૃત્યુ : સંદેશખાલીમાં ગોળીબારમાં પોલીસ જવાનો ઈજાગ્રસ્ત : ચૂંટણી પંચે હિંસામાં સામેલ તત્ત્વો સામે આકરી કાર્યવાહીનો નિર્દેશ આપ્યો
કોલકાતા, તા. 6 : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂરી થયા બાદ હિંસાના બનાવો સામે આવવા લાગ્યા છે. સંદેશખાલી વિસ્તારમાં હિંસા ભડકી ઉઠી હતી. જેમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોની ટીમ ઉપર અચાનક હુમલો થયો હતો. જેમાં પાંચ સુરક્ષા કર્મચારી ઘાયલ થયા હતા જ્યારે આસનસોલમાં આગજનીનો બનાવ બન્યો હતો. ટીએમસીના કોર્પોરેટરની ઓફિસમાં અચાનક આગ લાગી હતી. જેનાથી પૂરા વિસ્તારમાં હડકંપ મચ્યો હતો. અન્ય બનાવોમાં ટીએમસીના એક અને ભાજપના બે કાર્યકરે જીવ ગુમાવ્યા હતા. હિંસાના બનાવો ઉપર ચૂંટણી પંચ દ્વારા આકરી કાર્યવાહીનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
ન્યૂ ટાઉન વિસ્તારમાં ભાજપ કાર્યકર્તા
મધુ મંડલની કથિત રીતે ટીએમસી સમર્થકો દ્વારા માર મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના
બાદ ભાજપ સમર્થકોએ ટીએમસી કાર્યકરો ઉપર હુમલો કરી દીધો હતો અને સ્થિતિ કાબૂમાં લેવા
કેન્દ્રીય દળ તૈનાત કરવામાં આવ્યા હતા જ્યારે બીરભૂમ જિલ્લાના નાનુરમાં ટીએમસી કાર્યકર્તા
અબીર શેખની કથિત રીતે ભાજપ કાર્યકરોએ હત્યા કરી દીધી હતી. પોલીસ અનુસાર સંતોષપુર ગામમાં
વિવાદ દરમિયાન ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. જેનાથી સ્થળ ઉપર જ મૃત્યુ
થયું હતું અને એકને ઈજા પહોંચી હતી. આ ઉપરાંત ઉદય નારાયણપુરમાં પણ ભાજપ કાર્યકર્તાનાં
મૃત્યુની ઘટના સામે આવી હતી.
રાજ્યના ઘણા હિસ્સામાં તોડફોડ અને હિંસાની ઘટનાઓ બની છે. ટાલીગંજના બિજયગઢ-નેતાજી નગર વિસ્તારમાં પૂર્વ મંત્રી અરૂપ વિશ્વાસના કાર્યાલયે ભીડે તોડફોડ કરી હતી. કસ્બાના રૂબી ક્રોસિંગમાં ટીએમસી કોર્પોરેટરની ઓફિસે પણ હુમલો થયો હતો. આ ઉપરાંત હાવડા, ઉત્તર 24 પરગણા, મુર્શિદાબાદ સહિત ઘણા જિલ્લામાં પાર્ટી કાર્યાલયોએ આગજની અને હુમલાના અહેવાલો સામે આવ્યા હતા. આ દરમિયાન મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમારે હિંસામાં સામેલ લોકો સામે સખત કાર્યવાહીનો નિર્દેશ આપ્યો હતો તેમજ પોલીસ અધિકારીઓને પેટ્રોલિંગ સખત કરવા કહ્યું હતું.