- રાષ્ટ્રપતિ લામને આવકારતાં વડાપ્રધાન મોદીએ કહ્યું, બે દેશના સંબંધ વધુ ગાઢ બનશે
નવી દિલ્હી, તા. 6 : ભારત પ્રવાસે
આવેલા વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય
બેઠક કરી હતી. બન્ને દેશો વચ્ચે સંસ્કૃતિ, શિક્ષણ, આરોગ્ય સહિત ક્ષેત્રોમાં 13 મહત્ત્વપૂર્ણ
સમજૂતી કરારો પર હસ્તાક્ષર થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લામ
સાથે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધતાં કહ્યું હતું કે, એક દાયકા પહેલાં મારી યાત્રા
વખતે વિયેતનામ આસિયાનમાં ભારતનું પહેલું ‘વ્યાપક રણનીતિક ભાગીદાર’ બન્યું હતું.
ત્યારથી સંબંધોમાં દરેક ક્ષેત્રમાં
ગતિભેર પ્રગતિ થઇ. છેલ્લા એક દાયકામાં ભારત અને વિયેતનામ વચ્ચે વ્યાપાર બમણો થઇને
16 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. મોદીએ કહ્યું હતું કે, બે દેશોના સંબંધોને ‘આધુનિક
વ્યાપક રણનીતિક ભાગીદારી’ના સ્તર સુધી લઇ જવા અમે પ્રતિબદ્ધ છીએ.
વિયેતનામ ભારતની એકટ ઇસ્ટનીતિનો મહત્ત્વનો સ્તંભ છે. હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં પણ અમારી એક જેવી વિચારધારા છે, તેવું વડાપ્રધાન બોલ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભારત વિયેતનામના સહયોગથી આસિયાન સાથે સંબંધો મજબૂત બનાવશે. આર્થિક સંપર્કો વધારવા ભારતની રિઝર્વ બેંક અને વિયેતનામની સ્ટેટ બેંક વચ્ચે ડિજિટલ લેવડદેવડમાં નવીન પહેલોમાં સહયોગ પર સમજૂતી કરાર થયો હતો.