• રવિવાર, 24 મે, 2026

પીએમ મોદી અને અમેરિકી વિદેશ મંત્રી વચ્ચે થઈ બેઠક

-મોદીને અમેરિકા આવવા આમંત્રણ   સુરક્ષા, વ્યાપાર, નવી ટેક્નોલોજી સહિતના મુદ્દે થયું મંથન

નવી દિલ્હી, તા. 23 અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો ચાર દિવસની ભારત યાત્રાની શરૂઆત કરતા કોલકાતા પહોંચ્યા હતા. છેલ્લા 14 વર્ષમાં કોઈ શીર્ષ અમેરિકી રાજદ્વારી (િવદેશ મંત્રી)ની પહેલી કોલકાતા મુલાકાત બની હતી. બાદમાં રુબિયો દિલ્હી પહોંચ્યા હતા જયાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં બન્ને દેશ વચ્ચે સુરક્ષા, વ્યાપાર અને નવી ટેક્નોલોજી સહિતના મહત્વના મુદ્દે વાતચીત થઈ હતી. પ્રવાસ ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક વચ્ચે થઈ હતી. જો કે તેનું રાજનીતિક અને રણનીતિક મહત્વ વધારે છે. બેઠકમાં રુબિયોએ પીએમ મોદીને વ્હાઈટ હાઉસની મુલાકાત માટે આમંત્રણ પાઠવ્યું હતું.

પ્રવાસની શરૂઆતે અમેરિકી વિદેશ મંત્રીએ દિલ્હીમાં પીએમ મોદી સાથે બેઠક કરી હતી. દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક બાદ રુબિયો આગરા રવાના થયા હતા. રુબિયો સાથે મુલાકાત બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક પોસ્ટ મારફતે કહ્યું હતું કે, ભારત અને અમેરિકા દુનિયાની ભલાઈ માટે સાથે મળીને કામ કરતા રહેશે.

બેઠકમાં ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા વિસ્તારથી ચર્ચા થઈ હતી. અંદાજીત એક કલાક ચાલેલી બેઠકમાં સુરક્ષા, વ્યાપાર, ક્રિટિકલ ટેક્નોલોજી, ઈન્ડો પેસિફિક ક્ષેત્રમાં સહયોગ જેવા મહત્વના મુદ્દા સામેલ રહ્યા હતા તેમજ ઈરાન મુદ્દે પણ ચર્ચા થઈ હતી. બેઠકમાં રુબિયો તરફથી પીએમ મોદીને અમેરિકા પ્રવાસનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક