પ્રિન્સિપાલે કહ્યું, ગણવેશમાં હિજાબ છે જ
નવી દિલ્હી, તા. 8 : કર્ણાટકની કોલેજમાં થયેલો હિજાબ વિવાદ હજુ સુપ્રીમમાં છે, ત્યાં જમ્મુ-કાશ્મીરના શ્રીનગરની એક કોલેજમાં પણ આ જ પ્રકારની ઘટના બની છે, જ્યાં કોલેજની છાત્રાઓએ પોતાના પહેરાવામાં કોઈ બદલાવ નહીં કરે તેમ જણાવી પ્રદર્શન શરૂ કરી દીધું હતું.
શ્રીનગરના રૈનાવાડી વિસ્તારમાં વિશ્વભારતી મહિલા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો હતો કે, તેમને હિજાબ પહેરવાથી રોકવામાં આવે છે. તેમનું કહેવું છે કે, જો બાકી વિદ્યાલયોમાં તેની છૂટ છે તો અહીં કેમ નહીં. હિજાબ અમારા ધર્મમાં છે અને અમે તે નહીં હટાવીએ. છાત્રાઓએ કોલેજના આ આદેશનો વિરોધ કરી પ્રદર્શન કર્યું હતું.
વિદ્યાર્થિનીઓએ નારાજગી સાથે કહ્યું હતું કે, કોલેજ પ્રશાસન આ મુદ્દાને ધાર્મિક રૂપ આપે છે. તે ઉપરાંત સાંપ્રદાયિક નિવેદનો પણ અપાય છે. શું હિજાબ પહેરવાવાળી છોકરીઓને શિક્ષણનો અધિકાર નથી તેવો સવાલ મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ કર્યો હતો.
સંસ્થાના પ્રિન્સિપાલ મીમ રોજ શફીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, કોઈક સમજફેર થઈ છે. અમે વિદ્યાર્થિનીઓને ચહેરો ખુલ્લો રાખવાની વાત કરી હતી જેથી હાજરીમાં તેમની ઓળખ થઈ શકે તથા સંસ્થાનો ગણવેશ છે તેમાં સફેદ હિજાબ પણ છે, પણ તેમને અલગ-અલગ રંગ-ડિઝાઈનવાળા હિજાબ પહેરવા છે જે નિયમ વિરુદ્ધ છે.