• સોમવાર, 27 મે, 2024

POK માટે પાકના કરોડોનાં પેકેજ છતાં વિરોધ જારી POKમાં રેન્જર્સ પર પથ્થરમારો: રેન્જર્સના ગોળીબારથી ત્રણનાં મોત

આંદોલનકારીઓને સરકાર પર ભરોસો નથી

મુઝફફરાબાદ, તા. 14 : પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં છેલ્લા ચાર દિવસથી મોંઘવારી અને વીજળીના ભાવ સામે જારી વિરોધ પ્રદર્શન આજે વધુ તીવ્ર બન્યું છે. વડાપ્રધાન શેહબાઝ શરીફે ગઇકાલે પીઓકે માટે 23 અબજ પાકિસ્તાની રૂપિયા (718 કરોડ ભારતીય રૂપિયા)ના પેકેજની જાહેરાત કરી હોવા છતાં વિરોધીઓ પાછળ હટવા તૈયાર નથી. આજે નારાજ લોકોએ પાકિસ્તાની અર્ધલશ્કરી રેન્જર્સ પર પથ્થરોથી હુમલો કરતાં રેન્જર્સને નાસવું પડયું હતું.

પાકિસ્તાની મીડિયા ‘ડોન ન્યૂઝ’ અનુસાર, રાહત પેકેજની જાહેરાતના થોડા સમય પછી, પાકિસ્તાની અર્ધ લશ્કરી રેન્જર્સે ટીયર ગેસના શેલ છોડ્યા અને વિરોધીઓ પર ગોળીબાર કરતાં 3 લોકોનાં મોત થયા હતા, જ્યારે 6 લોકો ઘાયલ થયા હતા.

વાસ્તવમાં પીએમ શરીફની જાહેરાત બાદ અર્ધલશ્કરી રેન્જર્સને પીઓકે છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ પછી રેન્જર્સના 19 વાહનોનો કાફલો મુઝફ્ફરાબાદ થઈને નીકળી રહ્યો હતો, ત્યારે શોરન દા નાકા ગામમાં તેમના પર પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો. આ દરમિયાન અર્ધલશ્કરી દળોના ત્રણ વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. હુમલાના જવાબમાં રેન્જર્સે ગોળીબાર કર્યો હતો.

આંદોલનકારીઓએ કહ્યું હતું કે, સરકારની જાહેરાત પર કાયદેસરની તપાસ કરાવશે. પીઓકેમાં વિરોધનું નેતૃત્વ કરી રહેલી જમ્મુ-કાશ્મીર અવામી એક્શન કમિટી (જેએએસી)એ કહ્યું છે કે તે સરકારના પરિપત્રની કાયદેસર રીતે તપાસ કરાવશે, ત્યારબાદ જ વિરોધ પાછો ખેંચવા અંગે નિર્ણય લેવામાં આવશે. જેએએસીએ કહ્યું કે પીઓકે સરકાર અત્યાર સુધી આ મામલે બેજવાબદાર વલણ અપનાવી રહી છે. આ કારણોસર તેઓ હવે આ રાહત પેકેજ પર વિશ્વાસ કરવા સક્ષમ નથી.

પ્રદર્શનોને ધ્યાને રાખી પીઓકેના રાજકીય કાર્યકર્તા અમજદ અયુબ મિર્ઝાએ ભારત સરકારને પાકિસ્તાની રાજદૂતને બોલાવવાની અપીલ કરી છે. મિર્ઝાએ કહ્યું કે પાકિસ્તાનમાં રેન્જર્સે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો છે. ત્યાં લોકો રોજબરોજની ચીજવસ્તુઓના ભાવમાં રાહતની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, વિશ્વભરના સમુદાયોએ સાથે આવવું જોઈએ અને પીઓકેને સમર્થન આપવું જોઈએ.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક