મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ: કોર્ટમાં ફેંસલાઓના અયોગ્ય શબ્દોની પણ યાદી જારી કરાશે
નવી દિલ્હી, તા. 16 : સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂંડે મહિલાઓ વિરુદ્ધ ખોટું વર્તન, અભદ્ર ભાષા, અશ્લીલ ટૂચકાઓ સામે ઝીરો ટોલરન્સ એટલે કે, જરા પણ સહન નહીં કરી લેવાની નીતિ પર ભાર મૂકયો છે.
સુપ્રીમ કોર્ટની આંતરિક ફરિયાદ સમિતિના એક સમારોહને સંબોધતાં ચંદ્રચૂડે કોર્ટની ભાષા, દલિલો અને ફેંસલાઓમાં મહિલાઓ માટે પ્રયોગ કરાયેલા અયોગ્ય શબ્દોની શબ્દાવલી જારી કરવાની ઘોષણા કરી હતી. ટૂંક સમયમાં આ યાદી જારી કરાશે અને તે માત્ર સમાજ કે કાયદા જગત જ નહીં, પરંતુ કામકામજની ભાષામાં પણ મહિલાઓ સાથે શા માટે ભેદભાવ કરાય છે, તેના પર પ્રકાશ પાડશે.
આપણે એવું સુનિશ્ચિત કરવાની જરૂર છે કે, મહિલાઓને જાતિય સતામણી સહન કરી ન લેવાય. આવું ખતમ કરો, તેવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્ય ન્યાય મૂર્તિએ કહ્યું હતું કે, ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ એફઆઇઆર રદ કરવા માટેની અરજીઓના ફેંસલામાં મહિલાઓને ચોર કહેવાઇ છે. દરમ્યાન ‘ફેકન્યૂઝ’ એટલે કે બોગસ સમાચારો પર ચિંતા વ્યક્ત કરતા ચંદ્રચૂડે જણાવ્યું હતું કે, આપણે એવા દોરમાં જીવીએ છીએ, જ્યાં લોકોમાં ધીરજ અને સહનશીલતા ખૂટી ગયા છે.