મર્યાદિત છૂટ : બાર કાઉન્સિલે ઘડયા નિયમ, ભારતીય વકીલોને બેક ડોર એન્ટ્રીની ચિંતા
નવી દિલ્હી, તા.16: ભારતમાં હવે વિદેશી વકીલો, કાયદા કંપનીઓને પણ કાયદાની પ્રેક્ટિસ કરવા મંજૂરી મળી છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ સારી રીતે નિયંત્રિત અને નિયમિત રીતે વિદેશી વકીલો અને કાયદા કંપનીઓને દેશમાં અભ્યાસ કરવા મંજૂરી આપવા સામે સહમતિ દર્શાવી નિયમ ઘડયા છે. જો કે વિદેશી વકીલો ભારતીય કોર્ટમાં હાજર નહીં થઈ શકે. તેમ છતાં ભારતીય વકીલોમાં આવી છૂટ આપવા સામે બેકડોર એન્ટ્રીની ચિંતા છે. અગાઉ વર્ષ 1999 અને ર000માં તેનો જોરશોરથી વિરોધ થયો હતો.
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ભારતમાં વિદેશી વકીલો અને વિદેશી કાયદા કંપનીઓની નોંધણી માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ, ર0રર સાથે આવ્યું છે જેથી આંતરરાષ્ટ્રીય વકીલો અને મધ્યસ્થતા ચિકિત્સકોને ભારતમાં સલાહ આપવા સક્ષમ બનાવી શકાય. નિયમો હેઠળ વિદેશી વકીલ અને લો ફર્મ માત્ર બિન-ખટલાવાળા કેસોમાં જ પ્રેક્ટિસના હકદાર બનશે. વિદેશી વકીલો અને લો ફર્મ માટે જે ત્રણ વ્યાપક ક્ષેત્ર ખોલવામાં આવ્યા છે તેમાં વિદેશી કાયદો, મધ્યસ્થતાના કેસ તથા આંતરરાષ્ટ્રીય કાયદાના મુદ્દા સામેલ છે.