કર્ણાટક, તા. 17 : કર્ણાટક હાઈકોર્ટમાં અમેરિકન માઇક્રોબ્લાગિંગ સાઇટ ટ્વિટર વિરુદ્ધ કેન્દ્ર સરકારે અભિવ્યક્તિની સ્વતંત્રતા મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. સરકારે બંધારણના અનુચ્છેદ 19ને ટાંકીને કહ્યું હતું કે, અભિવ્યક્તિની આઝાદીનો અધિકાર ભારતીય નાગરિકો અને સંસ્થાઓને છે, વિદેશીઓ માટે નથી.
કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2021થી લઈને 2022 દરમ્યાન ટ્વિટરના કેટલાક એકાઉન્ટ અને પોસ્ટને આઇટી કાયદાની કલમ 69(એ)
અનુસાર બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો.
આ આદેશને કંપનીએ મનમાની ગણાવીને કહ્યું હતું કે, અગાઉ આ પ્રકારની સામગ્રી આપનાર વિરુદ્ધ કોઈ નોટિસ જાહેર થઇ નથી.
કેન્દ્ર સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ આર. શંકરનારાયણે હાઇકોર્ટ સમક્ષ દલીલ રજૂ કરતા કહ્યું હતું કે, ટ્વિટર વિદેશી કંપની હોવાથી અનુચ્છેદ 19 હેઠળ રક્ષણ ન મળી શકે. વળી અનુચ્છેદ 14 અંતર્ગત પણ સરકારની કાર્યવાહીને મનમાની ન ગણી શકાય.
ટ્વિટર કેટલાક એકાઉન્ટની જાણકારી ગોપનીયતાના ઉલ્લંઘનની આડમાં આપતું ન હોવાથી ગંભીર સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે એવું આર. શંકરનારાયણે હોઇકોર્ટને જણાવ્યું હતું, જેમાં પાકિસ્તાન સરકારના નકલી એકાઉન્ટ પરથી થયેલા ટ્વિટનો તથા લિટ્ટે ચીફ પ્રભાકરનના જીવતા હોવાના ટ્વિટનો ઉલ્લેખ કર્યો હતો.