વૈશ્વિક બરછટ અનાજ પરિષદનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન; ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું
નવી દિલ્હી, તા. 18 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અહીં ઇન્ડિયન એગ્રિકલ્ચર રિસર્ચ સેન્ટર પરિસરમાં ગ્લોબલ મિલેટ્સ (બરછટ અનાજ) પરિષદનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે, બાજરા જેવા અનાજોને સફળતા ભારતની જવાબદારી છે. આ અવસરે વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 પર એક ટપાલ ટિકિટ અને સિક્કાનું અનાવરણ તેમજ ગ્રાહક-વિક્રેતા બેઠક, પ્રદર્શન ખુલ્લા મૂક્યા હતા.
મોદીએ કહ્યું હતું કે, ભારતના નેતૃત્વ હેઠળ આ પ્રકારના આયોજન માત્ર વિશ્વની ભલાઇ માટે જ જરૂરી નથી, પરંતુ તેમાં ભારતની વધતી જવાબદારીના પ્રતીક પણ છે. આ સમારોહમાં 100થી વધુ દેશોના પ્રતિનિધિ ભાગ લઇ રહ્યા છે. વૈશ્વિક બરછટ અનાજ પરિષદ આવતીકાલે રવિવારે સંપન્ન થશે.
ખાસ ઉલ્લેખનીય છે કે, જી-20નું પણ અધ્યક્ષપદ સંભાળી રહેલાં ભારતની સરકારે બરછટ અનાજને જી-20 બેઠકોમાં પણ એક ભાગરૂપે સામેલ કર્યા છે. અઢી કરોડ કિસાનોને બરછટ અનાજ આર્થિક રીતે મજબૂત કરી રહ્યાં છે. શ્રી અન્ન મિશન ગ્રામીણ અર્થતંત્રને પણ મજબૂત બનાવશે તેવું વડાપ્રધાને કહ્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે, અમે શ્રી અન્ન મિશનને વૈશ્વિક ચળવળ બનાવવા માટે ઘણું કામ કર્યું છે. ભારતના 12-13 રાજ્યોમાં બાજરા સહિતના બરછટ અનાજની ખેતી કરાય છે.
કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે મને ગર્વ છે કે ભારત આંતરરાષ્ટ્રીય બરછટ અનાજ વર્ષનું નેતૃત્વ કરી રહ્યું છે. મિલેટ્સ ખેડૂતો માટે વરદાન છે. પીએમ મોદીએ કહ્યું કે અનેક દેશો આ મિલેટ્સ સંમેલન સાથે જોડાયેલા છે. મિલેટ્સને લઇને દેશમાં અનેક સ્ટાર્ટઅપ પણ શરૂ થયા છે અને અનેક રાજ્યોમાં તેની ખેતી પ્રાથમિકતા અપાય છે. તેમણે કહ્યું કે ભારતના પ્રસ્તાવ અને પ્રયાસો બાદ જ સંયુકત રાષ્ટ્રએ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ જાહેર કર્યું છે. હવે વિશ્વ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ મનાવે છે ત્યારે ભારત આ અભિયાનની આગેવાની કરી રહ્યું છે. ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ આ દિશામાં એક મહત્ત્વ પૂર્ણ પગલું છે. પી.એમ. મોદીએ કહ્યું કે શ્રી અન્નને ગ્લોબલ મૂવમેન્ટ બનાવવા માટે સરકારે દિવસ રાત કામ કર્યું છે. શ્રી અન્ન એટલે કે દેશના આદિવાસી સમાજનો સત્કાર શ્રી અન્ન એટલે કેમિકલ મુક્ત ખેતી.