શાળાઓને CBSEની ચેતવણી: છાત્રોમાં થાક અને ચિંતા વધવાનો ખતરો
નવી દિલ્હી, તા. 18 : કેન્દ્રીય માધ્યમિક બોર્ડ (સીબીએસઇ)એ સ્કૂલોને ચેતવણી આપતા કહ્યું છે કે, પહેલી એપ્રિલ પૂર્વે નવું શૈક્ષણિક સત્ર ચાલુ ન કરે. સત્ર જલ્દી ચાલુ થવાથી વિદ્યાર્થીઓમાં ચિંતા અને થાકથી ઘેરાઇ જવાનો ખતરો વધી જાય છે. ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓનાં નવા વર્ષનાં વર્ગો શરૂ થઇ ગયા હોવાથી સીબીએસઇએ આ ચેતવણી જાહેર કરી છે.
સીબીએસઇના સચિવે એક નિવેદનમાં કહ્યું હતું કે, કેટલીક શાળાઓ નવું શૈક્ષણિક વર્ષ વહેલું શરૂ કરીને અભ્યાસક્રમ ઝડપથી પૂર્ણ થાય એની પેરવીમાં હોય છે, પરંતુ તેનાથી વિદ્યાર્થીઓનાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ ઇતર પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઇ નથી શકતા, જેના લીધે એમનો સર્વાંગી વિકાસ ખોરવાય છે.
ઉલ્લેખનીય છે કે, હાલ સીબીએસઇ બોર્ડની પરીક્ષાઓ ચાલુ છે. આ પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ શૈક્ષણિક વર્ષ એક એપ્રિલથી 31 માર્ચના નિયમોનું કડકાઈથી પાલન કરવા માટે સીબીએસઇએ કડક શબ્દોમાં ચેતવણી આપી છે.