નવી દિલ્હી, તા. 18 : પૂર્વ લદ્દાખમાં છેલ્લા ત્રણ વર્ષથી સીમા વિવાદના જારી સંઘર્ષ વચ્ચે ભારતીય સૈન્યના વડા જનરલ મનોજ પાંડેએ જણાવ્યું હતું કે, ચીન વાસ્તવિક નિયંત્રણરેખા પર ગતિભેર પાયાના ઢાંચા ઊભા કરે છે.
ચીને મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા છે. અલબત્ત અંકુશરેખા પર અત્યારે સ્થિતિ સ્થિર છે, તેવું કહી શકાય, પરંતુ હજુય નજર રાખવાની જરૂર છે, તેવું પાંડેએ કહ્યું હતું. સૈન્યવડાએ ઉમેર્યું હતું કે, એપ્રિલ-2020માં ચીને પૂર્વ લદ્દાખથી અનેકવાર ઘૂસણખોરીની કોશિશ કરી, ત્યારથી જ પિપલ્સ લિબરેશન આર્મીએ લગભગ 50 હજાર સૈનિક તૈનાત કર્યા છે.
જો કે, ભારતીય સેનાએ પણ 3488 કિ.મી. લાંબી વાસ્તવિક અંકુશરેખા પર તમામ ત્રણ ક્ષેત્રોમાં મજબૂત તૈનાતી કરી છે. જનરલ પાંડેએ કહ્યું હતું કે, સીમાવિવાદનું સમાધાન ન થઈ જાય, ત્યાં સુધી સૈનિકોની સતર્કતા ઉચ્ચસ્તરની બની રહેશે. દરમ્યાન, પાકિસ્તાની ઘૂસણખોરી પર સેનાવડાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સીમા પાર કરીને હથિયાર, કેફી દ્રવ્યો ફેંકવાની ડ્રોન ઘૂસણખોરીની ઘટનાઓ ઘણી વધી ગઈ છે, પરંતુ મજબૂત સેના દર વખતે નાપાક હરકતોનો જડબાંતોડ જવાબ આપે છે.