વર્ષ
2021માં રૈયારોડ પરથી પકડાતા જેલની હવા ખાધા બાદ ફરી રઘુવીર સોસાયટીમાં ગોરખધંધો શરૂ
કર્યો
રાજકોટ,તા.6:
શહેરમાં ગેરકાયદે ગર્ભ પરિક્ષણનો ગોરખધંધો કરતી બોગસ મહિલા તબીબ ચાર વર્ષમાં બીજી વખત
પોલીસની ઝપટે ચડી ગઈ છે. અગાઉ રૈયા રોડ પરથી એસઓજીની ટીમે ગોરખધંધાનો પર્દાફાશ કરી
જેલ હવાલે કરી હતી ત્યા જેલમાંથી છૂટી ફરી કોઠારિયા રોડ પર ગેરકાયદે ગર્ભપાતનો ધંઘો
શરૂ કર્યો હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે ડમી ગ્રાહક મોકલી ઝડપી પાડી હતી. મહિલા
પાછળ કોઈ ડોક્ટરની ભૂમિકા હોવાની શંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા
મળતી વિગત મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર
બગડિયા, પોલીસ કમિશનર ક્રાઈમ પાર્થરાજાસિંહ ગોહિલ અને મદદનીશ પોલીસ કમિશનર ભરત બસિયા
દ્વારા રાજકોટ શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓને નેસ્ત નાબુદ કરવા સુચના આપવામાં
આવી હતી. જે સુચનાને પગલે એસઓજીના પીઆઈ એસ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજીના હેડ
કોન્સ્ટેબલ જયદીપાસિંહ ચૌહાણ અને અનોપાસિંહ ઝાલાને બાતમી મળી હતી કે, રાજકોટમાં સ્પીડવેલ
પાર્ટીપ્લોટ પાસે આવેલ આવાસ યોજનાના સિતાજી ટાઉનશીપમાં સી વીંગમાં રૂમ નંબર 404માં
ગેરકાયદેસર ગર્ભપરિક્ષણ અને ગર્ભપાતનો ધંધો ચાલી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ટ્રેપ
ગોઠવી મહિલા કોન્સ્ટેબલ મિતલબેન ગોહિલને ડમી સગર્ભા ગ્રાહક તરીકે અનેતેમની સાથે તેમના
બહેન તરીકે મોનાબેન બુસાને ગર્ભપરિક્ષણ અર્થે મોકલી ઓપરેશન પાર પાડયુ હતું. પોલીસે
ગેરકાયદેસર ગર્ભપરીક્ષણ કરતી સરોજબેન વિનોદભાઈ ડોડિયા (રહે. રઘુવીર સોસાયટી શેરી નં.
4 શ્રી સહકાર મેઈન રોડ રાજકોટ)ને ઝડપી લીધી હતી. અને ચાર લાખની કિંમતનું સોનોગ્રાફી
મશીન, પરિક્ષણ કરવામાં ઉપયોગમાં લેવાતી જેલ બોટલ, પ્લાસ્ટિકનું ટેબલ અને બોટલ મળી રૂપિયા
410150નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પ્રાથમિક
તપાસમાં સરોજબેન ડોડિયા વર્ષ 2021માં પણ ગેરકાયદેસર ગર્ભપરિક્ષણ અને ગર્ભપાત કરવાના
ગુનામાં જેલમાં ધકેલાઈ હતી. છ માસ જેલની હવા ખાઈને બહાર આવ્યા બાદ સરોજબેન ડોડિયાએ
સિતાજી ટાઉનશીપમાં મકાન ભાડે રાખી ફરી ગેરકાયદેસર ગર્ભપરિક્ષણ અને ગર્ભપાતનો ધંધો કર્યો
હતો. સરોજબેન ડોડિયા પાછળ કોઈ ડોક્ટરની ભૂમિકા હોવાની શંકાએ એસઓજીએ વધુ તપાસ હાથ ધરી
છે.