ભક્તિનગર પોલીસ સ્ટેશનની ટીમે 36 કલાકમાં બાળકને શોધી કાઢયો
રાજકોટ, તા.8: ગઈ તા.5-6-2025ના રોજ ફરિયાદી પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાની ફરિયાદ કરી કે, પોતાના 15 વર્ષના દીકરાને કોઈ અજાણ્યો ઈસમ લલચાવી ફોસલાવી લાલચ આપી કે અન્ય કોઈ ઈરાદે તેઓના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો છે.
આ ગુનાની ગંભીરતા ધ્યાને લઈ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર મયુરધ્વજસિંહ એમ.સરવૈયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પો.સબ.ઈન્સ જે.જે.ગોહીલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ ટેક્નીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસથી તપાસ કરતા ભોગ બનનાર બાળક સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ હોવાનું જાણવા મળતા તમામ સ્થળે તપાસ કરાઈ. બાળક દિલ્હી તરફ ગયો હોવાનું જાણવા મળતા પો.કોન્સ. મહાવીરસિંહ મહોબતસિંહ તથા પો.કોન્સ.પ્રકાશભાઈ લાલજીભાઈને દિલ્હી તપાસમાં જવા રવાના થયા હતા. જેઓએ દિલ્હી ખાતે ન્યુ દિલ્હી એરપોર્ટ, મેટ્રો રેલવે સ્ટેશન, આજુબાજુની હોટલોમાં બાળક બાબતે તપાસ કરતા હ્યુમન સોર્સીસથી બાળક પહરગંજ વિસ્તારમાં હોવાની માહિતી મળતા પહરગંજ વિસ્તારમાં આવેલી તમામ હોટલો તથા હોટલની આસપાસ ઉભી રહેતી ટેક્સી તથા રીક્ષા ચાલકોને બાળક બાબતે પુછપરછ કરતા હ્યુમન સોર્સીસથી બાળકને નોઈડા વિસ્તારમાં જોયો હોવાની માહિતી મળતા તપાસમાં ગયેલો પોલીસ સ્ટાફ નોઈડા વિસ્તારમાં જઈ તપાસ કરતા નોઈડા મેટ્રો રેલ્વે સ્ટેશન ખાતેથી બાળક મળી આવ્યો હતો.
ટેક્નીકલ તથા હ્યુમન સોર્સીસથી તપાસ કરી 1500 કિમીનું અંતર કાપી 36 કલાકમાં ભોગ બનનારને શોધી કાઢી તેના વાલીને સોંપી આપ્યો હતો. આ કામગીરીમાં પોલીસ ઈન્સપેક્ટર મયુરધ્વજસિંહ એમ.સરવૈયા તથા પો.સબ.ઈન્સ. જે.જે.ગોહીલ તથા પો.કોન્સ.મહાવીરસિંહ મહોબતસિંહ તથા પો.કોન્સ.પ્રકાશભાઈ લાલજીભાઈ તથા સર્વેલન્સ સ્ટાફ રોકાયેલો હતો.