સપ્તાહમાં શરદી-ઉધરસના 551, ઝાડા-ઉલટીના 159, ચિકનગુનિયાના 5, મેલેરિયાના 4 કેસ, ટાઇફોઇડના 2 કેસ નોંધાયા
રાજકોટ, તા.4: શહેરમાં મિશ્ર ઋતુના માહોલ વચ્ચે ડેન્ગ્યૂના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગ દ્વારા દર સપ્તાહે પ્રસિદ્ધ કરવામાં આવતા વિવિધ રોગચાળાના આંકડાઓમાં ગત સપ્તાહ દરમિયાન ડેન્ગ્યૂના વધુ 10 કેસ સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. આ સાથે જ તા.1 જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં ડેન્ગ્યૂના 57 કેસ સામે આવ્યાં છે.
ડેન્ગ્યૂની સાથે ગત સપ્તાહ દરમિયાન મેલેરિયાના 4 અને ચિકનગુનિયાના 5 કેસ નોંધાયા છે. આ સાથે જ તા.1 જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં મેલેરિયાના 20 તથા ચિકનગુનિયાના 13 કેસ થયા છે. અન્ય રોગચાળામાં સામાન્ય શરદી-ઉધરસના 551, તાવના 54, ઝાડા-ઉલટીના 159 તેમજ ટાઇફોઇડના બે કેસ નોંધાયા છે. આ સાથે જ તા.1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં શરદી-ઉધરસના 11,337, તાવના 1446, ઝાડા-ઉલટીના 3912 કેસ નોંધાયા છે.
દરમિયાન મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે 51,912 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી તથા 2498 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાકમાં 314 અને કોમર્શિયલમાં 90 આસામીને નોટિસ તથા 32 આસામી પાસેથી રૂ.16,250 વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.
જે વિસ્તારોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે તેમાં બહુમાળી ભવન પાછળનો વિસ્તાર, વેલનાથપરા, પરમેશ્વર પાર્ક, નિલકંઠ પાર્ક, ગંગોત્રી પાર્ક, શ્રી નાથજી પાર્ક, રાધે પાર્ક, અપર્ણ પાર્ક, રામનાથ મહાદેવ મંદિર પાસેનો વિસ્તાર, ખોડિયારનગર, તૃપ્તિ એપાર્ટમેન્ટ, રજપૂતપરા-4, પારસ સોસાયટી, બંસીધર પાર્ક, સુભાષનગર, જ્યોતિ પાર્ક, રામેશ્વર પાર્ક શેરી નં.1 થી 6, સદરબજાર-એ 1 કેટરર્સ, અતુલ રેસિડેન્સી વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે.