બીજા
દાવમાં બાંગલાદેશ 146 રનમાં ડૂલ : 95 રનનો વિજય લક્ષ્યાંક 3 વિકેટ ગુમાવી ભારતે સર
કર્યોં
કાનપુર,
તા.1 : પહેલા ટી-20 સ્ટાઇલમાં બેટિંગ અને બાદમાં બોલરોના ઉમદા દેખાવથી બાંગલાદેશ વિરુદ્ધના
બીજા ટેસ્ટમાં ભારતનો 7 વિકેટે અદ્ભુત વિજય થયો હતો. મોસમને માત આપીને ફક્ત બે દિવસમાં
જોરદાર જીત હાંસલ કરનાર ટીમ ઇન્ડિયા આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ના ફાઇનલ
માટે વધુ મજબૂત બની છે. બીજા ટેસ્ટમાં ભારતે આજે બાંગલાદેશને 7 વિકેટે સજ્જડ હાર આપીને
પ્રવાસી ટીમનો 2-0થી સફાયો કર્યો હતો. ભારતને આજે આખરી દિવસે લંચ પછી જીત માટે ફકત
9પ રનનું લક્ષ્ય મળ્યું હતું. જે 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું. બન્ને દાવમાં
આક્રમક અર્ધસદી કરનાર યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ ધ મેચ અને બે મેચની શ્રેણીમાં 11 વિકેટ
અને એક સદી સાથે 114 રન કરનાર રવિચંદ્રન અશ્વિન પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર થયો હતો.
બાંગલાદેશ
ટીમે આજે તેનો બીજો દાવ બે વિકેટે 26 રનથી આગળ વધાર્યો હતો અને 47 ઓવરમાં 146 રનમાં
ઢેર થઇ ગઈ હતી. ભારતને પહેલા દાવમાં બાવન રનની લીડ મળી હતી. આથી જીત માટે 9પ રન કરવાના
હતા. જે 3 વિકેટ ગુમાવીને ફક્ત 17.2 ઓવરમાં કરી લીધા હતા. યશસ્વી જયસ્વાલ 4પ દડામાં
8 ચોક્કા-1 છક્કાથી પ1 રન કરી આઉટ થયો હતો. વિરાટ કોહલી 29 અને ઋષભ પંત 4 રને નોટઆઉટ
રહ્યા હતા. કપ્તાન રોહિત શર્મા 8 અને શુભમન ગિલ 6 રને સસ્તામાં આઉટ થયા હતા. બાંગલાદેશ
તરફથી મહેંદી હસન મિરાજને બે વિકેટ મળી હતી.
આ પહેલા
ભારતીય બોલરોના સહિયારા દેખાવ સામે બાંગલાદેશ ટીમ બીજા દાવમાં પ્રતિકાર વિના પાણીમાં
બેસી ગઇ હતી અને તેના બેટધરો એક પછી એક આઉટ થતા રહ્યા હતા. લંચની ઠીક પહેલા બાંગલાદેશ
ટીમ બીજા દાવમાં 47 ઓવરમાં 146 રનમાં ડૂલ થઇ ગઇ હતી. ભારત તરફથી બુમરાહ, અશ્વિન અને
જાડેજાએ 3-3 વિકેટ લીધી હતી. આકાશદીપને 1 વિકેટ પ્રાપ્ત થઇ હતી. બાંગલાદેશ તરફથી ઓપનર
શાદમાન ઇસ્લામે સૌથી વધુ પ0 રન કર્યાં હતા. મુશફીકુર રહેમાને 37 રનનો સહયોગ આપ્યો હતો.
કપ્તાન નઝમૂલ હસન શાંતો 19, શકિબ અલ હસન 0 અને લીટન દાસ 1 રને આઉટ થયા હતા.