ડરબન,
તા.28: ફાસ્ટ બોલર માર્કો યાનસનની કાતિલ બોલિંગ સામે દ. આફ્રિકા વિરુદ્ધના પ્રથમ ટેસ્ટમાં
શ્રીલંકા ટીમનો માત્ર 42 રનમાં ઐતિહાસિક ધબડકો થયો છે. શ્રીલંકાની પૂરી ટીમ ફકત 83
દડામાં ઢેર થઇ ગઇ હતી. માર્કો યાનસને આગઝરતી બોલિંગ કરી હતી અને 6.પ ઓવરમાં 13 રનમાં
7 વિકેટ ઝડપી હતી. માર્કો યાનસની અદભૂત સ્વીંગ બોલિંગ સામે શ્રીલંકા ટીમે શરણાગતિ સ્વીકારી
લીધી હતી. શ્રીલંકાના ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસનો આ સૌથી ઓછો સ્કોર છે. અગાઉ શ્રીલંકા ટીમ
1994માં પાકિસ્તાન વિરુદ્ધ કેન્ડીમાં 71 રને ડૂલ થઇ હતી.
શ્રીલંકા
પાંચ ખેલાડી ઝીરોમાં આઉટ થયા હતા. ફક્ત બે ખેલાડી જ કામિન્ડુ મેન્ડિસ (13) અને લાહિરૂ
કુમારા (10) ડબલ ફીગરમાં પહોંચ્યા હતા. ત્રીજી ઓવરના આખરી દડે દિમૂથ કરુણારત્ને (2)ની
વિકેટ ગુમાવ્યા પછી શ્રીલંકા ટીમ 11 ઓવરની અંદર 42 રનમાં પેવેલિયન ભેગી થઇ ગઇ હતી.
શ્રીલંકાએ પાંચમી, છઠ્ઠી, સાતમી અને આઠમી વિકેટે 32 રનના સ્કોર પર ગુમાવી હતી. યાનસનની
7 વિકેટ ઉપરાંત કોએત્ઝીને 2 અને રબાડાને 1 વિકેટ મળી હતી.
આ પહેલા
આજે પહેલા ટેસ્ટના બીજા દિવસે દ. આફ્રિકાએ તેનો દાવ 4 વિકેટે 80 રનથી આગળ વધાર્યો હતો
અને 191 રને ઓલઆઉટ થઇ હતી. તેંબા બાવૂમાએ 70 રનની કેપ્ટન ઇનિંગ રમી હતી. કેશવ મહારાજે
24 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા તરફથી અસિતા ફર્નાન્ડો અને લાહિરૂ કુમારાએ
3-3 વિકેટ લીધી હતી. બીજા દિવસના અંતે આફ્રિકાના બીજા દાવમાં3 વિકેટે 132 રન થયા હતા.