કોલકાતા,
તા. 22 : ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપસિંહે ઐતિહાસિક રેકોર્ડ પોતાનાં નામે
કર્યો છે. અર્શદીપ ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધારે વિકેટ લેનારો ભારતીય બોલર બની
ગયો છે. તેણે આ ઉપલબ્ધિ ઇંગ્લેન્ડ સામે કોલકાતા ટી20 મેચમાં મેળવી હતી. ઇંગ્લેન્ડ સામે
મેચમાં બે વિકેટ લેતાં જ અર્શદીપે રેકોર્ડ બનાવી લીધો હતો. આ મામલે તેણે યુઝવેન્દ્ર
ચહલને પાછળ છોડી દીધો છે. જેણે 80 મેચમાં 96 વિકેટ લીધી હતી. અર્શદીપે 61મા મેચમાં
ઉપલબ્ધિ મેળવી હતી. આ રેકોર્ડમાં જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડયા અને ભુવનેશ્વર કુમાર
ખૂબ જ પાછળ છે. અર્શદીપે 61 મેચમાં 97 વિકેટ લીધી છે જ્યારે ચહલને 80 મેચમાં 96, ભુવનેશ્વર
કુમારે 87 મેચમાં 90 અને બુમરાહે 70 મેચમાં 89 વિકેટ લીધી છે જ્યારે હાર્દિક પંડયાનાં
નામે 110 મેચમાં 89 વિકેટ છે.