• ગુરુવાર, 19 જૂન, 2025

પ્લેઓફની આશા જીવંત રાખવા મેદાને પડશે દિલ્હી આજે ગુજરાત ટાઈટન્સ સામે થશે ટક્કર : 7.30થી પ્રસારણ

નવી દિલ્હી, તા. 17 : પોતાના પહેલા છ મેચમાંથી પાંચ મેચમાં જીત સાથે સીઝનની શાનદાર શરૂઆત કરનારી દિલહીની ટીમ પ્લેઓફની આશા જીવંત રાખવા માટે રવિવારે અરુણ જેટલી સ્ટેડિયમમાં થનારા હાઈ સ્ટેક મુકાબલામાં ગુજરાતને કોઈપણ ભોગે હરાવવું પડશે. છેલ્લા 11 મેચમાં 13 અંક સાથે પાંચમા સ્થાને રહેલી દિલ્હીની ટીમ હજી પણ અંકોના હિસાબે પ્લેઓફ માટે દાવેદાર છે. જો કે અન્ય દાવેદારો પાછળ હોવા અને માત્ર ત્રણ મેચ બચ્યા હોવાથી એક ભુલ ભારે પડી શકે છે. બીજી તરફ ગુજરાત ટાઈટન્સ વર્તમાન સીઝનમાં 11 મેચમાં 16 અંક સાથે સૌથી સફળ ટીમ રહી છે અને શીર્ષ બેમાં જગ્યા બનાવવાની નજીક છે.મેજબાન ટીમને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે સ્ટાર ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક ટુર્નામેન્ટના બાકી મેચમાંથી બહાર થયો છે. તેની ગેરહાજરીએ બોલિંગ આક્રમણ નબળું પાડી દીધું છે અને દુષ્મંથા ચમીરા, મુકેશ કુમાર અને ટી નટરાજન ઉપરનો ભાર વધી ગયો છે. જ્યારે કુલદીપ યાદવ મધ્ય ઓવરમાં ભરસોપાત્ર વિકલ્પ છે. કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરી છે અને નવ ઈનિંગમાં 381 રન કર્યા છે.

અભિષેક પોરેલે શિર્ષ ક્રમમાં મજબુત સાથ આપ્યો છે. જ્યારે અક્ષર પટેલ અને આશુતોષ શર્માએ નીચલા ક્રમમાં મહત્વપુર્ણ યોગદાન આપ્યું છે. વધુમાં જેક ફ્રેઝરની જગ્યાએ બંગલાદેશના મુસ્તફિઝુર રહમાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

બીજી તરફ ગુજરાતની ટીમ વ્યવસ્થિત છે અને યોગ્ય સમયે શીર્ષ સ્થાને પહોંચી છે. ગુજરાતના શીર્ષ ક્રમ સાઈ સુદર્શન, શુભમન ગિલ અને જોસ બટલરે વર્તમાન સીઝનમાં 500નો આંકડો પાર કર્યો છે. શેરફેન રદરફોર્ડ અને રાહુલ તેટવટીયા મધ્યક્રમમાં આક્રમક છે. બોલિંગમાં મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ સામુહિક રીતે 35 વિકેટ લીધી છે. કગિસો રબાડાની વાપસીએ આશા મજબુત કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક