• ગુરુવાર, 19 જૂન, 2025

વિન્ડિઝે રોસ્ટન ચેઝને બનાવ્યો ટેસ્ટ કેપ્ટન

ચેઝ બે વર્ષથી નથી રમ્યો ટેસ્ટ મેચ : ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીથી શરૂ કરશે નવી ઈનિંગ

નવી દિલ્હી, તા. 17 : ઓલરાઉન્ડર રોસ્ટન ચેસને વેસ્ટ ઈન્ડિઝનો ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જો કે રોસ્ટને બે વર્ષથી વધારે સમયથી કોઈ ટેસ્ટ મેચ રમ્યો નથી. ચેઝે અંતિમ ટેસ્ટ સાઉથ આફ્રિકા સામે આઠમી માર્ચ 2023ના રોજ રમ્યો હતો. ત્યાર બાદ વિન્ડિઝની ટીમ 13 મેચ રમી ચુકી છે. 33 વર્ષિય ચેઝ ક્રેગ બ્રેથવેટની જગ્યા લેશે. જેણે ત્રણ વર્ષ બાદ માર્ચમાં કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. આ પહેલા ચેઝ વેસ્ટ ઈન્ડિઝ માટે વનડે અને ટી20ના એક એક મેચમાં કેપ્ટનશીપ કરી ચુક્યો છે.

ચેઝ કેપ્ટનશીપની શરૂઆત જુન જુલાઈમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ઘરેલુ શ્રેણીથી કરશે. 2016મા ડેબ્યુ કરનારો ચેઝ ઓસ્ટ્રેલિયા સામે પહેલો ટેસ્ટ પોતાના 50મા ટેસ્ટના રૂપમાં રમશે. જ્યારે સ્પિનર જોમેલ વાર્રિકન ઉપ કેપ્ટન બનશે. ટેસ્ટ ક્રિકેટમાં ચેઝનું પ્રદર્શન સાધારણ રહ્યું છે. ઓફ સ્પિનરે 46ની સરેરાશથી 85 વિકેટ લીધી છે અને મીડલ ઓર્ડર બેટ્સમેન તરીકે 26ની સરેરાશથી 2200થી વધારે રન કર્યા છે. જેમાં પાંચ સદી સામેલ છે. ચેઝે કેપ્ટનશીપની રેસ જોન કેમ્પબેલ, ટેવિન ઈમલાત, જોશુઆ સિલ્વા, જસ્ટિન ગ્રીવ્સ જેવા ખેલાડીઓ સામે જીતી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક