પ્લેઓફ રાઉન્ડના મેચ મુલ્લાંપુર અને અમદાવાદમાં આયોજિત થશે : BCCIની જાહેરાત
RCB-SRH
મેચનું સ્થળ પણ બદલાયું
મુંબઇ
તા.20: આઇપીએલ-202પ સીઝનનો ફાઇનલ મુકાબલો 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
પર રમાશે. બીસીસીઆઇ આજે પ્લેઓફ રાઉન્ડના સ્થળ જાહેર કર્યાં છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની
યુધ્ધની સ્થિતિની લીધે આઇપીએલ એક સપ્તાહ માટે સ્થગિત થયું હતું.
આ પછી
બીસીસીઆઇના બાકીના મેચોનું શેડયૂલ જાહેર કર્યું હતું. જયારે પ્લેઓફ રાઉન્ડના મેચના
સ્થળ જાહેર કર્યાં ન હતા. જે હવે આજે જાહેર કર્યાં છે. અગાઉ ફાઇનલ મેચ કોલકતામાં રમાવાનો
હતો.
પ્લેઓફ
રાઉન્ડના મેચ ચંદિગઢ નજીક મુલ્લાંપુર અને અમદાવાદમાં રમાશે. મુલ્લાંપુરમાં 29 મેના
રોજ પહેલો કવોલીફાયર મેચ રમાશે. આ પછી 30મીએ એલિમિનેટર મુકાબલો રમાશે. જયારે અમદાવાદ
ખાતે 1 જૂને બીજો કવોલીફાયર મેચ રમાશે અને 3 જૂને ફાઇનલ મેચ રમાશે.
આ ઉપરાંત
દક્ષિણ ભારતમાં ખરાબ મોસમ હોવાથી આરસીબી અને સનરાઇઝર્સ વચ્ચેનો 23મીએ રમાનાર મેચ લખનઉ
શિફટ કરાયો છે. જે નિર્ધારિત કાર્યક્રમ અનુસાર બેંગ્લુરુ ખાતે રમાવાનો હતો. આથી સનરાઇઝર્સ
ટીમ લખનઉમાં રોકાઇ ગઇ છે. આરસીબીએ તેનો અંતિમ લીગ મેચ પણ એલએસજી વિરૂધ્ધ લખનઉમાં
27મીએ રમવાનો છે.