• ગુરુવાર, 19 જૂન, 2025

29 વર્ષની ઉંમરે નિકોલસ પૂરને ઇન્ટરનેશનલ ક્રિકેટને બાયબાય કર્યું કેરેબિયન ફટકાબાજ હવે ફક્ત લીગ ક્રિકેટ રમશે

નવી દિલ્હી, તા.10: વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક બેટધર અને વિકેટકીપર નિકોલસ પૂરને આજે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થવાની ઘોષણા કરીને સહુને ચોંકાવી દીધા છે. 29 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડવાનો નિકોલસ પૂરનનો નિર્ણય ચોંકાવનારો છે. પૂરને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને પોતાના સંન્યાસની માહિતી આપી હતી. તે દુનિયાભરની ટી-20 લીગમાં રમવાનું ચાલુ રાખશે. આઇપીએલમાં તે લખનઉ સુપર જાયન્ટસનો ફટકાબાજ છે.

પૂરને તેની પોસ્ટમાં લખ્યું છે કે આ નિર્ણય ખૂબ જ વિચારી અને ભારે મનથી લીધો છે. આ રમત જેને આપણે પ્યાર કરીએ છીએ. તેણે ઘણી ખુશી આપી છે. વેસ્ટ ઇન્ડિઝનું પ્રતિનિધિત્વ કરવું, મરૂન જર્સી પહેરવી, રાષ્ટ્રગાન માટે ઉભા રહેવું અને દરેક વખતે મેદાનમાં 100 ટકા આપવા મારા માટે અવિસ્મરણીય અનુભવ છે. કપ્તાનના રૂપમાં ટીમનું નેતૃત્વ કરવું મારા માટે હંમેશાં ગર્વની વાત રહેશે. આ તકે પૂરને ચાહકો, સાથે ખેલાડીઓ અને વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડનો આભાર માન્યો હતો.

નિકોલસ પૂરને તેની 9 વર્ષની ઇન્ટરનેશનલ કેરિયર દરમિયાન 61 વન ડે મેચમાં 1983 રન 3 સદી અને 11 અર્ધસદીથી કર્યાં હતા જ્યારે 106 ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં 13 અર્ધસદીથી 227પ રન બનાવ્યા હતા. તેણે અંતિમ ઇન્ટરનેશનલ મેચ 19 ડિસેમ્બર 2024ના બાંગલાદેશ વિરુદ્ધ ટી-20 રૂપમાં રમ્યો હતો. પૂરન તેની કેરિયરમાં કયારે પણ વિન્ડિઝ તરફથી ટેસ્ટ મેચ રમ્યો નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક