ક્રાઉલી પહેલી ઓવરમાં આઉટ થયા બાદ ડકેટ અને ઓલી પોપ વચ્ચે સદીની ભાગીદારી : બુમરાહને બે સફળતા
લીડ્સ,
તા. 21 : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલા લીડ્સ ટેસ્ટના પહેલા દિવસે કેપ્ટન શુભમન
ગિલ અને યશસ્વી જયસ્વાલની સદી બાદ બીજો દિવસે ઋષભ પંતે પણ શાનદાર અંદાજમાં સદી કરી
હતી. જો કે નીચલા ક્રમાંકના બેટ્સમેનો યોગદાન ન કરી શકતા ટીમ ઈન્ડિયા 113 ઓવરમાં
471 રને ઓલઆઉટ થઈ હતી અને મોટો સ્કોર થઈ શક્યો નહોતો. બીજી તરફ ઈંગ્લેન્ડે પહેલી વિકેટ
સસ્તામાં ગુમાવ્યા બાદ બેન ડકેટ અને ઓલી પોપે બાજી સંભાળી હતી. બન્નેએ અર્ધસદી કરી
હતી અને સદીની ભાગીદારી થઈ હતી. જો કે બુમરાહે બેન ડકેટને આઉટ કરીને ભાગીદારી તોડી
હતી અને ભારતને મહત્વની સફળતા અપાવી હતી.
બીજા
દિવસે શુભમન ગિલ અને ઋષભ પંતે ભારતની ઈનિંગ આગળ વધારી હતી અને આ દરમિયાન ઋષભ પંતે સદી
પુરી કરી હતી. ગિલ અને પંત વચ્ચે 200 રનની નોંધપાત્ર ભાગીદારી થઈ હતી. શુભમન ગિલ
227 બોલમાં 19 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 147 રન કરીને આઉટ થયો હતો. જ્યારે પંતે
178 બોલમાં 12 ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 134 રન કર્યા હતા. ગિલ આઉટ થયા બાદ આઠ વર્ષે
વાપસી કરનારો કરુણ નાયર શુન્યમાં પેવેલિયન પરત ફર્યો હતો. નીચલા ક્રમાંકના બેટ્સમેનોની
ટપોટપ વિકેટ પડતા ભારતનો સ્કોર 471 સુધી જ પહોંચી શક્યો હતો. બાદમાં રવીન્દ્ર જાડેજા
11 રન, શાર્દુલ ઠાકુર 1 રને, બુમરાહ શુન્મમાં અને પ્રસિદ્ધ કૃષ્ણા 1 રને આઉટ થયા હતા.
સિરાજ ત્રણ રને નોટઆઉટ રહ્યો હતો. 453 રને પંતના રૂપમાં ભારતની છઠ્ઠી વિકેટ પડી હતી
અને પછી 471ના સ્કોરે પુરી ટીમ ઓલઆઉટ થઈ હતી.ઈંગ્લેન્ડ તરફથી જોશ ટંગ અને બેન સ્ટોક્સે
4-4 વિકેટ લીધી હતી. જ્યારે બ્રાયડન કાર્સ અને શોએબ બશીરને એક એક વિકેટ મળી હતી.
ઈંગ્લેન્ડને
પહેલી ઈનિંગમાં જેક ક્રાઉલીના રૂપમાં પહેલો ઝટકો સસ્તામાં લાગ્યો હતો. મેચની પહેલી
જ ઓવરમાં બુમરાહ ત્રાટક્યો હતો અને ક્રાઉલીને ચાર રને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો
હતો. બાદમાં બેન ડકેટ અને ઓલી પોપે બાજી સંભાળી હતી. બન્નેએ અર્ધસદી કરી હતી અને સદીની
ભાગીદારી થઈ હતી. ભારતીય બોલરો વિકેટ માટે તરસી રહ્યા હતા ત્યારે ફરી એક વખત બુમરાહ
સફળ થયો હતો અને બેન ડકેટને 62 રને બોલ્ડ કરીને મહત્વની ભાગીદારી તોડી હતી. જ્યારે
બેન ડકેટની વિકેટ પડી ત્યારે ઈંગ્લેન્ડનો સ્કોર 126 રન સુધી પહોંચી ગયો હતો. આ સાથ
બુમરાહ ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં પાંચમા સ્થાને પહોચ્યો
હતો. બુમરાહે જેક ક્રાઉલીનો શિકાર કરીને વકાર યુનુસનો રેકોર્ડ તોડયો હતો. બુમરાહે એશિયાની
બહાર 160 વિકેટ લીધી છે. જ્યારે પૂર્વ પાકિસ્તાની બોલર વકાર યુનુસે 158 વિકેટ લીધી
હતી.