ઉપયોગમાં લેવાયેલા બોલ્સ કંપનીને મોકલવામાં આવશે : સમગ્ર પ્રક્રિયાની તપાસ બાદ લેવાશે વધુ નિર્ણય
નવી
દિલ્હી, તા. 19 : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલા ટેસ્ટ મેચમાં ઉપયોગમાં લેવાતા
ડયુક્સ ક્રિકેટ બોલની ગુણવત્તા ઉપર સવાલ ઉઠી રહ્યા છે. બોલ બનાવનારી કંપની બ્રિટિશ
ક્રિકેટ બોલ્સ લિમિટેડ હવે ગુણવત્તાની તપાસ કરશે. શરૂઆતી ત્રણ ટેસ્ટ મેચમાં બોલ ઝડપથી
ખરાબ થવાની અને પોતાનો શેપ ગુમાવવાની ફરિયાદો મળી હતી. વારંવાર બોલ બદલવાના કારણે મેચમાં
અડચણો આવી હતી.
ઈંગ્લેન્ડ
એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) ઉપયોગમાં લેવાયેલા બોલ્સને કંપનીને પરત મોકલશે. કંપનીના
માલિક દિલીપ જાજોરિયાના કહેવા પ્રમાણે દરેક બાબતની તપાસ કરવામાં આવશે અને પછી ટેનર
સાથે વાતચીત થશે. વધુમાં કહ્યું હતું કે બોલ માટે જે કંઈ પ્રક્રિયા કરવામાં આવે છે
તેની સમીક્ષા કરવામાં આવશે અને પછી કોઈ બદલાવની જરૂર લાગશે તો તેની અમલવારી થશે. ડયુક્સ
બોલ 1760થી બની રહ્યા છે. છેલ્લા અમુક વર્ષથી ટેસ્ટ અને કાઉન્ટી ક્રિકેટમા ગુણવત્તા
સંબંધિત મુશ્કેલી સામે આવી રહી છે.
ઈંગ્લેન્ડમાં
રમાતા ટેસ્ટ મેચ માટે ડયુક્સ બોલનો ઉપયોગ થાય છે. ભારતમાં એસી બોલ્સ અને ઓસ્ટ્રેલિયામાં
કૂકાબુરા બોલ્સનો ઉપયોગ થાય છે. લોર્ડસ ટેસ્ટ દરમિયાન ભારતીય કેપ્ટન ગિલે અમ્પાયરો
દ્વારા બદલવામાં આવેલા બોલ ઉપર નિરાશા વ્યક્ત કરી હતી. પહેલી સવારે જ બીજા નવા બોલનો
ઉપયોગ કરવો પડયો હતો. જેનાથી રમત ઉપર વધુ અસર પડી હતી.