• મંગળવાર, 14 એપ્રિલ, 2026

દર્દ છતાં જોકોવિચ US ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં અલ્કરાજ અને સબાલેંકા પણ અંતિમ-8 રાઉન્ડમાં પહોંચ્યા

ન્યૂયોર્ક તા.1: ગરદનના દર્દ છતાં સ્ટાર ટેનિસ ખેલાડી સર્બિયાનો નોવાક જોકોવિચ વર્ષની આખરી ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટ યુએસ ઓપનના કવાર્ટર ફાઇનલમાં પહોંચ્યો છે. સાતમા ક્રમના જોકોવિચનો 144મા ક્રમના કવોલીફાયર ખેલાડી જોન લેનાર્ડ સ્ટ્રફ વિરુદ્ધ 6-3, 6-3 અને 6-2થી લડાયક વિજય થયો હતો અને અંતિમ-8 રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. જયાં તેની ટક્કર અમેરિકી ખેલાડી ટેલર ફિટ્જ વિરુદ્ધ થશે. તેણે ચોથા રાઉન્ડમાં ઝેક ગણરાજ્યના ખેલાડી ટોમસ માચેક સામે 6-4, 6-3 અને 6-3થી વિજય થયો હતો. જોકોવિચ રેકોર્ડ 64મા ગ્રાંડસ્લેમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો છે. જોકોવિચ-ફિટ્જ વચ્ચે 10 ટકકર થઇ છે. તમામમાં જોકોવિચની જીત નોંધાઇ છે.

38 વર્ષીય જોકોવિચ પહેલા સેટમાં 4-0થી આગળ ચાલી રહ્યો હતો ત્યારે તેની ગરદનમાં દર્દ શરૂ થયું હતું. આથી તેને કોર્ટ પર મેડિકલ સારવાર લેવી પડી હતી. આમ છતાં તેણે આસાનીથી મેચ જીતી લીધો હતો. 24 ગ્રાંડસ્લેમ વિજેતા જોકોવિચે ક્વાર્ટર ફાઇનલ પ્રવેશ સાથે નવો રેકોર્ડ બનાવ્યો છે. તે આ વર્ષે ચારેય ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટના કવાર્ટર ફાઇનલમાં પહોંચનારો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો છે.

નંબર બે કાર્લોસ અલ્કરાજ પણ કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે આર્થર રિંડરનેચને 7-6, 6-3 અને 6-4થી હાર આપી હતી.

મહિલા વિભાગમાં ચોથા ક્રમની અમેરિકી ખેલાડી જેસિકા પેગુલા હમવતન ખેલાડી અન લિને 6-1 અને 6-2થી હાર આપીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. તેનો સામનો હવે બે વખતની પૂર્વ ગ્રાંડસ્લેમ વિજેતા બારબોરા ક્રેસિકોવા વિરુદ્ધ થશે. તેણીએ ટેલર ટાઉનસેંડને 1-6, 7-6 અને 6-3થી હાર આપી હતી. નંબર વન આર્યના સબાલેંકાએ પણ અંતિમ-8 રાઉન્ડમાં જગ્યા બનાવી છે. તેણીનો ક્રિસ્ટીના બુકસા સામે 6-1 અને 6-4થી વિજય થયો હતો. તે હવે 2023 વિમ્બલ્ડન ચેમ્પિયન માર્કેટા વોડ્રસકોવા વિરુદ્ધ ટકરાશે. તેણીએ એલિના રિબાકિનાને 6-4, પ-7 અને 6-2થી હાર આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક