• બુધવાર, 10 જૂન, 2026

અલ્કરાજ US ઓપન ચેમ્પિયન ફાઇનલમાં યાનિસ સિનર વિરુદ્ધ પ્રભાવશાળી વિજય

છઠ્ઠો ગ્રાંડસ્લેમ ખિતાબ જીતી વિશ્વ નંબર વન બન્યો

ન્યૂયોર્ક, તા.8: સ્પેનનો યુવા ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કરાજ યુએસ ઓપન ચેમ્પિયન બન્યો છે. મેન્સ ફાઇનલ મુકાબલામાં તેણે ઇટાલીના યાનિક સિનરને હાર આપી હતી અને તેનો વિશ્વના ટોચના ખેલાડીનો તાજ પણ છીનવી લીધો હતો. ફાઇનલમાં સિનરને 6-2, 3-6, 6-1 અને 6-4થી હાર આપીને કાર્લોસ અલ્કરાજે તેની કેરિયરનો છઠ્ઠો ગ્રાંડસ્લેમ ખિતાબ જીત્યો હતો. આ શાનદાર વિજય સાથે તે એટીપી રેન્કિંગમાં નંબર વન ખેલાડી પણ બની ગયો છે. અલ્કરાજે બીજીવાર યુએસ ઓપન ખિતાબ જીત્યો છે. બીજી તરફ સિનર ખિતાબ બચાવવામાં સફળ રહ્યો ન હતો. યુએસ ઓપનની જીત સાથે અલ્કારાજે વિમ્બલ્ડન ફાઇનલની હારનો સિનર સામેનો હિસાબ ચૂકતે કર્યો હતો.

22 વર્ષીય અલ્કરાજ સપ્ટેમ્બર-2023 પછી પહેલીવાર દુનિયાનો નંબર વન ટેનિસ ખેલાડી બન્યો છે. બીજી તરફ યાનિક સિનરની ફાઇનલની હારથી હાર્ડકોર્ટ ગ્રાંડસ્લેમમાં 27 મેચની જીતનો ક્રમ પણ તૂટયો છે.  જૂનમાં અલ્કારજે ફ્રેંચ ઓપન ફાઇનલમાં સિનરને હાર આપી હતી. જયારે જુલાઇમાં વિમ્બલ્ડન ફાઇનલમાં હારી ગયો હતો.

ફાઇનલમાં અલ્કારાજનું વર્ચસ્વ રહ્યું હતું. તેની બેઝ લાઈન પર રમત શાનદાર રહી હતી અને બેકહેન્ડ શોટ પાવરફૂલ રહી હતી. બીજી તરફ સિનરે ઘણા અનફોર્સ એરર કરી અલ્કરાજને હાવી થવાનો મોકો આપ્યો હતો.

અલ્કરાજ ટેનિસ ઇતિહાસનો ફક્ત ચોથો એવો ખેલાડી બન્યો છે જેણે હાર્ડ કોર્ટ, ગ્રાસ કોર્ટ અને કલે કોર્ટ પર મોટા ખિતાબ જીત્યા હોય.

ઇ-પેપરના નવા શુલ્ક