દુબઇ, તા.9: ખિતાબની પ્રબળ દાવેદાર ભારતીય ટીમ એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટમાં બુધવારે યજમાન ટીમ સંયુક્ત આરબ અમીરાત (યૂએઇ) વિરુદ્ધ પોતાના અભિયાનની શરૂઆત કરશે. ત્યારે ભારતની નજર ઓલરાઉન્ડર્સના પર્યાપ્ત સંતુલન સાથે શાનદાર દેખાવ કરીને મહાવિજય પર હશે. જો કે ભારતીય ઇલેવમાં ત્રીજા સ્પિનર્સનો સમાવેશ થશે કે નિયમિત ઝડપી બોલરને તક મળશે ? કોચ ગૌતમ ગંભીરના આગમન બાદથી ટીમ ઇન્ડિયાના તમામ ફોર્મેટમાં ઓલરાઉન્ડર્સને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
આવું
એટલા માટે કરવામાં આવે છે કે જેથી આઠમા નંબર સુધી બેટિંગ ઉંડાઇ રહે. યુએઇ સામેનો મેચ
રવિવારે રમાનાર પાકિસ્તાન વિરુદ્ધના મહત્ત્વપૂર્ણ મેચ પહેલા અભ્યાસ જેવો હશે. જો કે
સૂર્યકુમાર યાદવની ટીમ નબળી અને બિન અનુભવી યૂએઇ ટીમને હળવાશથી લેવાના મૂડમાં નથી.
ભારતીય ટી-20 ટીમમાં શુભમન ગિલના આગમનને લીધે સંજૂ સેમસનનું અંતિમ ઇલેવનમાં સ્થાન મેળવવું
મુશ્કેલ છે કારણ કે તેની વિસ્ફોટક બેટિંગ પર જિતેશ શર્માની ફિનિશરની ભૂમિકા વધુ વજનદાર
લાગે છે.
શુભમન
ગિલ અને અભિષેક શર્મા ઓપનિંગ કરશે. ત્રીજા નંબર પર તિલક વર્મા હશે. જે ટી-20 વિશ્વ
ક્રમાંકમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. કપ્તાન સૂર્યકુમાર લગભગ ચોથા નંબર પર હશે. આ
પછી ઓલરાઉન્ડર્સ ફોજ હશે. જેમાં હાર્દિક પંડયાની ભૂમિકા સૌથી અગત્યની હશે. શિવમ દૂબે,
વિકેટકીપર જિતેશ શર્મા અને અક્ષર પટેલ ડીપ મિડલઓર્ડરમાં હશે. ઝડપી બોલિંગ મોરચે જસપ્રિત
બુમરાહ અને અર્શદીપ સિંઘની પસંદગી નિશ્ચિત છે. બીજા સ્પિનર તરીકે ભારત પાસે કુલદીપ
યાદવ અને વરુણ ચક્રવર્તીના રૂપમાં સારા વિકલ્પ છે.
બીજી
તરફ બિન અનુભવી યૂએઇ ટીમ પાસે ક્રિકેટની પાવરહાઉસ ભારતીય ટીમ સામે સારો દેખાવ કરવાનો
અવસર છે. મુહમ્મદ વસીમ, રાહુલ ચોપરા, સિમરનજીત સિંઘ જેવા અનુભવી ખેલાડી ટીમમાં છે.
જેઓ અનુભવી કોચ લાલચંદ રાજપૂતના માર્ગદર્શનમાં છાપ છોડવા ઉત્સુક છે.