• મંગળવાર, 12 મે, 2026

એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો

સુર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતીય ટીમનું પલડું ભારે: દુબઈના મેદાનમાં પાકિસ્તાનને પછાડવા ટીમ તૈયાર

નવી દિલ્હી, તા. 13 : સુર્યકુમાર યાદવની આગેવાનીની ભારતીય ટીમ રવિવારે એશિયા કપમાં ચિર પ્રતિદ્વંદ્વી પાકિસ્તાન સામે ટકરાવાની છે. છેલ્લા અમુક મહિનામાં સરહદે તણાવ બાદ પહેલી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થવા જઈ રહ્યો છે. જો કે આ મેચને લઈને હાઈપ ઓછો છે કારણ કે ઘણા લોકો પાકિસ્તાન સામેના મેચના બહિષ્કારની માગણી કરી રહ્યા છે. બીજી તરફ મેચમાં ભારત જીત માટેનું પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યું છે.

એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરતા ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને યુએઈ સામે મોટી જીત નોંધાવી હતી. જ્યારે પાકિસ્તાને  ઓમાન સામે 93 રને જીત મેળવી હતી. આ રીતે બન્ને ટીમ પોઈન્ટ ટેબલમાં બે બે પોઈન્ટ ધરાવે છે. જો કે 10થી ઉપરની નેટ રનરેટ સાથે ભારતની ટીમ શીર્ષ સ્થાને છે. એશિયા કપના ટી20 પ્રારુપમાં અત્યારસુધીમાં ભારતને માત્ર પાકિસ્તાન અને શ્રીલંકા સામે જ હારનો સામનો કરવો પડયો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 પ્રારુપમાં અંતિમ મુકાબલો 2024ના ટી20 વિશ્વકપમાં થયો હતો. બન્ને ટીમ વચ્ચેનો મુકાબલો ન્યુયોર્કમાં થયો હતો જેમાં ભારતીય ટીમે છ રને જીત મેળવી હતી. જો કે 2024ની ટી20 ટીમ અને વર્તમાન ટીમમાં ઘણો ફેર છે ત્યારે ભારત રોહિત શર્માના નેતૃત્વમાં હતી, જ્યારે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ હતો. વર્તમાન સમયે ભારતની ટીમની કમાન સુર્યકુમાર યાદવના હાથમાં છે. જ્યારે પાકિસ્તાનની કેપ્ટનશીપ સલમાન અલી આગા કરી રહ્યો છે.

પાકિસ્તાન સામે તમામ પ્રારુપમાં છેલ્લા અમુક વર્ષમાં ભારતનો દબદબો રહ્યો છે. ભારતીય ટીમમાં ભલે રોહિત અને કોહલી જેવા અનુભવી ખેલાડી ન હોય, તેમ છતાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે મજબૂત દેખાય રહી છે. ભારતે યુએઈ સામે ધારદાર બોલિંગ બાદ ધુઆંધાર બેટિંગ કરી હતી અને 58 રનનો સ્કોર માત્ર 27 બોલમાં પાર પાડયો હતો. જે દર્શાવે છે કે ભારતીય ટીમ કેટલી આક્રમક રમત રમે છે. બીજી તરફ ઓમાન સામે પાકિસ્તાનની બેટિંગ નબળી હતી. જો કે બોલિંગના કારણે ટીમ મેચ જીતી શકી હતી.

એશિયા કપના ટી20 પ્રારુપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મુકાબલા થયા છે. જેમાં બે વખત ટીમ ઈન્ડિયાએ બાજી મારી છે તો એક વખત પાકિસ્તાનને જીત મળી છે. પાકિસ્તાને ભારતને 2022મા હરાવ્યું હતું. ઓવરઓલ રેકોર્ડ જોવામાં આવે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે 13 મુકાબલા થયા છે. જેમાં ભારતે 10 અને પાકિસ્તાને ત્રણમાં જીત મેળવી છે. અંતિમ પાંચ મુકાબલામાં ત્રણમાં ભારતને જીત મળી છે. જે બે મેચમાં હાર મળી છે તે બન્ને મુકાબલા દુબઈમાં રમાયા હતા.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક