• મંગળવાર, 12 મે, 2026

ભારતીય મહિલા ટીમ સામેના પહેલા વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિજય 282 રનનો વિજય લક્ષ્યાંક માત્ર 2 વિકેટ ગુમાવી 44.1 ઓવરમાં સર કર્યો

સ્મૃતિ, પ્રતિકા અને હરલીનની અર્ધસદી એળે

મલ્લાંપુર (ચંદિગઢ), તા.14: વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો ભારતીય મહિલા ટીમ સામેના પહેલા વન ડે મેચમાં 3પ દડા બાકી રહેતા વર્ચસ્વ સાથે 8 વિકેટે વિજય થયો હતો. 282 રનનો વિજય લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયા મહિલા ટીમે માત્ર 2 વિકેટ ગુમાવીને 44.1 ઓવરમાં સર કરી લીધો હતો. આ જીતથી 3 મેચની વન ડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ 1-0થી આગળ થઇ છે.

ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ફીબી લિચફિલ્ડે 80 દડામાં 14 ચોક્કાથી 88 રનની ઇનિંગ રમી હતી. જયારે બેથ મૂની 77 રને અને એનાબેલ સદરલેન્ડ પ4 રને નોટઆઉટ રહ્યા હતા. આ બન્ને વચ્ચે 104 દડામાં 116 રનની અતૂટ ભાગીદારી થઇ હતી. એલિસ પેરી 27 રને રિટાયર્ડ હર્ટ થઇ હતી. ભારત તરફથી ક્રાંતિ ગૌડ અને સ્નેહ રાણાએ 1-1 વિકેટ લીધી હતી.

અગાઉ ભારતીય સુકાની હરમનપ્રિત કૌરે ટોસ જીતી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેટિંગ પસંદ કરી હતી. ભારતીય મહિલા ટીમે સ્ટાર બેટર સ્મૃતિ મંધાના (પ8), પ્રતિકા રાવલ (64) અને હરલીન દેઓલ (પ4)ની અર્ધસદીની મદદથી પ0 ઓવરમાં 7 વિકેટે 281 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો.

સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે કાંગારૂ બોલર્સને હંફાવીને ભારતને સંગીન શરૂઆત આપીને પહેલી વિકેટમાં 130 દડામાં 114 રનની ઝડપી ભાગીદારી કરી હતી. નંબર વન બેટર સ્મૃતિ કમનસીબે રન આઉટ થઇ હતી. તેણીએ 63 દડામાં 6 ચોક્કા-2 છક્કાથી પ8 રન કર્યાં હતા. પ્રતિકા રાવલનું અદ્ભુત ફોર્મ ચાલુ રહ્યંy હતું. તે 96 દડામાં 6 ચોક્કાથી 64 રન કરીને અને હરલીન દેઓલ પ7 દડામાં 4 ચોક્કા-2 છક્કાથી પ4 રન કરી આઉટ થયા હતા. કપ્તાન હરમનપ્રિત કૌર 11, જેમિમાહ રોડ્રિગ્સ 18 અને વિકેટકીપર ઋચા ઘોષ 2પ રને આઉટ થયા હતા. દીપ્તિ શર્મા 20 રને નોટઆઉ રહી હતી. ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ તરફથી મેગન શૂટને 2 વિકેટ મળી હતી. કિમ ગાર્થ, સદરલેન્ડ, અલાના કિંગ અને તાલિયા મેકગ્રાને 1-1 વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક