• શનિવાર, 14 માર્ચ, 2026

વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટના પ્રારંભ સાથે ભારતનું વર્ચસ્વ

વિન્ડિઝ ટીમ 162 રનમાં ઢેર : ભારતના 2 વિકેટે 121

સિરાજની 4 અને બુમરાહની 3 વિકેટ : રાહુલની અણનમ અર્ધસદી

અમદાવાદ, તા.2: સિરાજ અને બુમરાહની કાતિલ બોલિંગ પછી ભરોસાપાત્ર બેટધર કેએલ રાહુલની અર્ધસદીની મદદથી અમવાદાવ ટેસ્ટના પ્રથમ દિવસથી જ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ભારતે વર્ચસ્વ જમાવવાની શરૂઆત કરી છે. વેસ્ટ ઇન્ડિઝ ટીમ ફક્ત 162 રનમાં ઓલઆઉટ થઇ હતી. પહેલા દિવસની રમતના અંતે ભારતના 2 વિકેટે 121 રન થયા હતા. આથી શુભમન ગિલની ટીમ હવે માત્ર 41 રન પાછળ છે અને 8 વિકેટ અકબંધ છે.

કેએલ રાહુલ 114 દડામાં 6 ચોક્કાથી પ3 રને અણનમ રહ્યો હતો. તેના સાથમાં કેપ્ટન શુભમન ગિલ 18 રને નોટઆઉટ રહ્યો હતો. યશસ્વી જયસ્વાલ પ4 દડમાં 7 ચોક્કાથી 36 રને આઉટ થયો હતો. સાઇ સુદર્શન (7) નિષ્ફળ રહ્યો હતો. વિન્ડિઝ તરફથી જેડન સિલ્સ અને રોસ્ટન ચેઝે 1-1 વિકેટ લીધી હતી. ભારતના 38 ઓવરમાં 2 વિકેટે 121 રન થયા હતા.

અગાઉ ભારત તરફથી પહેલા ટેસ્ટના પ્રારંભે ઝડપી બોલર મોહમ્મદ સિરાજે ખતરનાક બોલિંગ કરી હતી. તેણે પોતાના પહેલા સ્પેલમાં જ વિન્ડિઝના ટોપ ઓર્ડરના 3 બેટરને આઉટ કર્યા હતા. તેણે 40 રનમાં 4 વિકેટ લીધી હતી. જયારે જસપ્રિત બુમરાહને 42 રનમાં 3 વિકેટ મળી હતી. એક વર્ષ પછી ટેસ્ટ વાપસી કરનાર ચાઇનામેન બોલર કુલદીપ યાદવને 2 અને વોશિંગ્ટન સુંદરને 1 વિકેટ લીધી હતી. જયારે વેસ્ટ ઇન્ડિઝ તરફથી સર્વાધિક 32 રન સાતમા ક્રમના બેટર જસ્ટિન ગ્રીવ્સે કર્યા હતા. કપ્તાન રોસ્ટન ચેઝે 24, સાઇ હોપે 26 રન કર્યા હતા. જોન કેમ્પબેલ (8), તેજનારાયણ ચંદરપૌલ (0), એલિક એથનેજ (12), બ્રેંડન કિંગ (13) નિષ્ફળ રહ્યા હતા. પૂરી કેરેબિયન ટીમ 44.1 ઓવરમાં લંચ પછી 162 રનમાં ઢેર થઇ ગઇ હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક