• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

વિશ્વ કપમાં મહિલા ટીમ પણ પાક. ખેલાડીઓ સાથે હાથ મિલાવશે નહીં

BCCI તરફથી હરમનપ્રિતની ટીમને સખત દિશા-નિર્દેશ

નવી દિલ્હી તા.2: એશિયા કપ દરમિયાન પુરુષ ક્રિકેટ ટીમ દ્વારા અપનાવવામાં આવેલ રણનીતિ અનુસાર હવે ભારતની મહિલા ટીમ પણ વિશ્વ કપ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે નહીં. બન્ને ટીમ વચ્ચે કોલંબોમાં રવિવારે ટક્કર થવાની છે. આ મેચને લઇને બીસીસીઆઇએ હરમનપ્રિત કૌરની ટીમને સખત દીશા-નિર્દેશ આપી દીધા છે. બોર્ડના સૂત્રોમાંથી જાણવા મળે છે કે મહિલા ટીમને સાફ શબ્દોમાં કહી દેવામાં આવ્યું છે કે પાક. ખેલાડીઓ સાથે દૂરી બનાવી રાખવી અને હાથ મિલાવવા નહીં.

શ્રીલંકા રવાના થતાં અગાઉ ભારતીય મહિલા ટીમને આ સંદેશો બીસીસીઆઇ તરફથી મળ્યો છે. આ સતત ચોથો રવિવારે હશે કે બન્ને દેશની ટીમ ક્રિકેટના મેદાનમાં આમને-સામને હશે. પાછલા ત્રણ રવિવારે ભારત-પાક. ટીમની એશિયા કપમાં ટક્કર થઇ હતી. ગત રવિવારે ફાઇનલમાં ભારતની જીત બાદ પીસીબી અને એસીસીસીના ચેરમેન મોહસિન નકવી ભારતીય ટીમે ટ્રોફી એનાયત કરવાના બદલે ટ્રોફી ચોરની જેમ લઇને ભાગ્યા હતા. આથી બન્ને દેશના ક્રિકેટ બોર્ડના સંબંધ વધુ વણસ્યા છે.

આ મામલે બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું કે બીસીસીઆઇની નીતિ સરકારની નીતિ અનુરૂપ છે. ટોસ વખતે હેન્ડશેક થશે નહીં, કોઇ ફોટો સેશન નહીં હોય અને મેચ પછી પણ આપણી મહિલા ખેલાડીઓ પાક. ખેલાડી સાથે હાથ મિલાવશે નહીં.

બીસીસીઆઈના આ સખત નિર્દેશથી મહિલા વન ડે વર્લ્ડ કપ દરમિયાન ભારત-પાકિસ્તાનના મેચમાં પણ હેન્ડશેક વિવાદ થશે તે નિશ્ચિત છે.

ઘરેલુ મેદાન પર બુમરાહનો ઝડપી 50 વિકેટનો રેકોર્ડ

અમદાવાદ, તા.2: વેસ્ટ ઇન્ડિઝ સામેના પ્રથમ ટેસ્ટના પ્રારંભે જ ભારતના સ્ટ્રાઇક બોલર જસપ્રિત બુમરાહે વધુ એક ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. ભારત તરફથી આજે સિરાજે 4 અને બુમરાહે 3 વિકેટ લીધી હતી. આ સાથે જ બુમરાહે ઘરેલુ મેદાનમાં પ0 વિકેટ પૂરી કરી છે. બુમરાહે ભારતની ધરતી પર પહેલો ટેસ્ટ મેચ વર્ષ 2021માં રમ્યો હતો. ઘરેલુ મેદાનમાં તેનો આ 13મો ટેસ્ટ છે. તેણે ઘરેલુ મેદાન પર સૌથી સારી સરેરાશથી પ0 વિકેટ પૂરી કરી છે. આ ઉપરાંત 24 ઇનિંગમાં પ0 વિકેટ સાથે જવગલ શ્રીનાથની બરાબરી કરી છે. બુમરાહે 1747 દડામાં પ0 વિકેટ પૂરી કરી છે. તેનો સ્ટ્રાઇક રેટ સૌથી સારો છે.

જસપ્રિત બુમરાહ  24 ઇનિંગ

જવાગલ શ્રીનાથ   24 ઇનિંગ

કપિલ દેવ            2પ ઇનિંગ

ઇશાંત શર્મા         27 ઇનિંગ

મોહમ્મદ શમી      27 ઇનિંગ

 

ઇ-પેપરના નવા શુલ્ક