• શનિવાર, 24 જાન્યુઆરી, 2026

અમદાવાદ ટેસ્ટમાં વિન્ડિઝ સામે ભારતની વિજયભણી આગેકૂચ

રાહુલ, જુરેલ અને જાડેજાની આકર્ષક સદીથી ભારતના 5 વિકેટે 448 અને 286 રને આગળ

અમદાવાદ તા.3: ઓપનિંગ બેટર કેએલ રાહુલ, વિકેટકીપર ધ્રુવ જુરેલ અને સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની આકર્ષક સદીની મદદથી વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધ પ્રથમ ટેસ્ટમાં સંપૂર્ણ વર્ચસ્વ સાથે વિજય ભણી આગેકૂચ કરી છે. મેચના આજે બીજા દિવસના અંતે ભારતના પહેલા દાવમાં પ વિકેટે 448 રન થયા હતા. આથી ભારતીય ટીમ 286 રને આગળ થઇ છે. વિન્ડિઝ પર એક દાવનો હાર તોળાઇ રહી છે. રવીન્દ્ર જાડેજા 104 અને વોશિંગ્ટન સુંદર 9 રને નોટઆઉટ રહ્યા હતા.

ઓપનર રાહુલે કેરિયરની 11મી સદી કરી હતી. તે પૂરા 100 રન કરી આઉટ થયો હતો. તેના અને કપ્તાન શુભમન ગિલ વચ્ચે ત્રીજી વિકેટમાં 98 રનની ભાગીદારી થઇ હતી. રાહુલે 197 દડામાં 12 ચોક્કાની મદદથી 100 રન કર્યાં હતા. જયારે કપ્તાન શુભમન ગિલ 100 દડામાં પ ચોક્કાથી પ0 રને આઉટ થયો હતો. મેચના આવતીકાલે ત્રીજા દિવસે ભારત લંચ આસપાસ દાવ ડિકલેર કરી શકે છે.

આ પછી વિકેટકીપર ધ્રુવ જુરેલ અને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ કેરેબિયન બોલરોને હંફાવીને આક્રમક બેટિંગ કરી હતી. ધ્રુવ જુરેલે ટેસ્ટ કેરિયરની પહેલી સદી અને રવીન્દ્ર જાડેજાએ છઠ્ઠી સદી ફટકારી હતી. જુરેલ 210 દડામાં 1પ ચોક્કા અને 3 છક્કાથી 12પ રને આઉટ થયો હતો. જયારે શાનદાર ફોર્મમાં ચાલી રહેલ જાડેજા 176 દડામાં 6 ચોક્કા અને પ છક્કાથી 104 રને નોટઆઉટ રહ્યો હતો. આ બન્ને વચ્ચે પાંચમી વિકેટમાં 331 દડામાં 206 રનની ભાગીદારી થઇ હતી. બીજા દિવસના અંતે ભારતના 128 ઓવરમાં પ વિકેટે 448 રન થયા હતા અને 286 રને આગળ થયું હતું. વેસ્ટ ઇન્ડિઝ તરફથી કપ્તાન રોસ્ટન ચેઝે બે વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક