શુભમન
ગિલ વનડેનો પણ કેપ્ટન બન્યો : રોહિત, કોહલી ટીમમાં સામેલ, 19 ઓક્ટોબરે પહેલો વનડે
નવી
દિલ્હી, તા. 4 : ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે તેની જ જમીન ઉપર ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં
ત્રણ વનડે અને પાંચ ટી20 ઈન્ટરનેશનલ રમવાની છે. આ માટે ભારતીય ટીમની ઘોષણા શનિવારે
કરી દેવામાં આવી હતી. શુભમન ગિલને ટેસ્ટ બાદ વનડે ટીમનો પણ કેપ્ટન બનાવવામાં આવ્યો
છે. ટીમની પસંદગી માટે અમદાવાદમાં પસંદગીકર્તાઓની બેઠક થઈ હતી. જેમાં ટીમને લઈને ચર્ચા
વિચારણા કરવામાં આવી હતી.
શુભમન
ગિલે વનડે કેપ્ટન તરીકે રોહિત શર્માની જગ્યા લીધી છે. વનડે શ્રેણી માટે પસંદગીકર્તાઓએ
શ્રેયસ અય્યરને ઉપકેપ્ટન બનાવ્યો છે. વનડે ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને પણ
જગ્યા મળી છે. બન્નેને સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. બીજી તરફ
ટી20 મેચમાં સૂર્યકુમાર યાદવ જ કેપ્ટન રહેશે.
વિરાટ
કોહલી અને રોહિત શર્મા ટી20 અને ટેસ્ટ ક્રિકેટને અલવીદા કહી ચૂક્યા છે. તેવામાં બન્નેને
એક ફોર્મેટમાં જ ભારતીય ટીમમાં રમવાને યોગ્ય છે. આ બન્ને ખેલાડીએ અંતિમ વખત આઈસીસી
ચેમ્પિયન્સ ટ્રોફી રમી હતી. ત્યારે ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને ખિતાબ જીત્યો હતો.
કોહલી અને રોહિતે ભેગા થઈને ઓડીઆઈમાં કુલ 25 હજારથી વધારે રન કર્યા છે. જેમાં 83 સદી
સામેલ છે.
ભારતની
વનડે ટીમ : શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (ઉપકેપ્ટન),
અક્ષર પટેલ, કેએલ રાહુલ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત
રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ, યશસ્વી જયસ્વાલ
ભારતની
ટી20 ટીમ : સુર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ (ઉપકેપ્ટન), તિલક વર્મા,
નીતિશકુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ,
અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન, રિંકૂ સિંહ, વોશિંગ્ટન સુંદર