BCCIની સિલેક્શન કમિટીના નિર્ણયથી સંકેત : બન્ને માત્ર વનડે ફોર્મેટ જ રમતા હોવાથી લાંબા સમયની બ્લુપ્રિન્ટમાં મહત્ત્વ ઓછું
નવી
દિલ્હી, તા. 5 : રોહિત શર્મા અને વિરાટ કોહલીને
ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમમાં સામેલ કર્યા છે. રોહિત અને કોહલી
આઈપીએલ 2025 બાદ કોઈ પ્રતિસ્પર્ધી ક્રિકેટ રમ્યા નથી. તેવામાં રોહિત અને કોહલીની મેદાનમાં
વાપસીની ચાહકોને રાહત છે. આ રાહ 19 ઓક્ટોબરના રોજ પૂરી થશે. જ્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા
સામે ત્રણ મેચની વનડે શ્રેણીનો પહેલો મુકાબલો રમશે.
મોટી
વાત એ છે કે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે રમશે
કારણ કે તેને વનડે ટીમની કેપ્ટનશીપમાંથી હટાવવામાં આવ્યો છે. રોહિતની જગ્યાએ શુભમન
ગિલ વનડે ટીમનો નવો કેપ્ટન બન્યો છે. અજીત અગરકરની આગેવાનીની પસંદગી સમિતિએ આ નિર્ણયથી
ચાહકોને ચોંકાવી દીધા છે. ચાહકો સવાલ કરી રહ્યાા છે કે શાનદાર પ્રદર્શન છતાં રોહિત
શર્મા પાસેથી કેપ્ટનશીપ કેમ લઈ લેવામાં આવી.
રિપોર્ટ
અનુસાર બીસીસીઆઈ અને ટીમ પ્રબંધને 2027ના વનડે વિશ્વકપ માટે એક બ્લુપ્રિન્ટ તૈયાર કરી
છે. આ દરમિયાન એક મત બન્યો હતો કે શુભમન ગિલને વનડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવે. આ
ટ્રાન્ઝિશન માટે સૌથી મોટો પડકાર રોહિત શર્માને મેનેજ કરવાનો હતો. જેણે ચાલુ વર્ષે
કેપ્ટનશીપમાં ભારતને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ અપાવ્યો હતો. બીસીસીઆઈના
અધિકારીઓનું માનવું હતું કે આગામી વનડે વિશ્વકપ હજી બે વર્ષ દુર છે અને રોહિત શર્મા
માત્ર વનડે ફોર્મેટમાં જ રમે છે. જેના કારણે પુરતી પ્રેક્ટિસ થઈ શકતી નથી. રોહિતે ફિટનેસ
માપદંડો પૂરા કર્યા છે પણ ક્રિકેટિંગ એક્શનથી દૂર છે. ચીફ સિલેક્ટર અજીત અગરકરે આ વાતનો
સંકેત પણ આપ્યો હતો.
રિપોર્ટમાં
કહેવામાં આવ્યું છે કે વિરાટ કોહલીની સ્થિતિ પણ રોહિત શર્મા જેવી જ છે કારણ કે બન્ને
ખેલાડી વર્તમાન સમયે માત્ર વનડે ફોર્મેટમાં જ રમે છે. તેવામાં બોર્ડે ભવિષ્યને ધ્યાને
લઈને નિર્ણય કર્યો છે.