• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

ભારતીય હોકી ટીમે ઓમાનને 17-0થી હરાવ્યું

પેનલ્ટી કોર્નરમાં ટીમનું પ્રદર્શન નબળું રહેતા કોચને ચિંતા

ચેન્નઈ, તા. 30 : ચેન્નઈમાં ભારે વરસાદ અને ચક્રવાત દિતવાહ વચ્ચે રમાયેલા એક મુકાબલામાં ભારતીય હોકી ટીમે કમજોર ઓમાનને 17-0ના વિશાળ અંતરથી હરાવ્યું હતું. દુનિયાની નંબર-2 ટીમ ભારત માટે આ જીત ત્રણ અંક મેળવવા અને ગોલનું અંતર સુધારવા માટે શાનદાર હતી પણ ટીમના પેનલ્ટી કોર્નરમાં નિરાશાજનક પ્રદર્શને કોચની ચિંતામાં વધારો કર્યો છે.

ભારતે મેચમાં કુલ 19 પેનલ્ટી કોર્નર મેળવ્યા હતા. જો કે ટીમ માત્ર ચારને જ ગોલમાં તબદીલ કરી શકી હતી. જે બતાવે છે કે ટીમનું પેનલ્ટી કોર્નરમાં પ્રદર્શન સારું નથી. વરસાદના કારણે પીચ ધીમી અને ભારે બની હતી. જેના પરિણામે પેનલ્ટી કોર્નરના બોલને રોકવો મુશ્કેલ બની રહ્યો હતો. તેમ છતા ભારતીય ટીમ માટે પ્રદર્શન નિરાજનક રહ્યું હતું. આ નબળાઈ સુલ્તાન ઓફ જોહોર કપમાં પણ જોવા મળી હતી.

મેચની શરૂઆતમાં ઓમાનની શરૂઆતી ઊર્જાના કારણે ખાસ તક મળી નહોતી. જો કે બાદમાં ભારતીય ટીમે રફતાર પકડી હતી અને 17 ગોલ કર્યા હતા. જો કે આ જીત ભારત માટે એક ચેતવણી પણ છે અને ભવિષ્યમાં પેનલ્ટી કોર્નરની નબળાઈને દૂર કરવા માટે કામ કરવું પડશે.

ઇ-પેપરના નવા શુલ્ક