• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

એશિઝ પર ઓસ્ટ્રેલિયાનો 4-1થી કબજો : અંતિમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે વિજય 160 રનનો વિજય લક્ષ્યાંક 5 વિકેટે સર કર્યો

ટ્રેવિસ હેડ પ્લેયર ઓફ ધ મેચ

મિચેલ સ્ટાર્ક પ્લેયર ઓફ ધ સિરીઝ

સિડની, તા.8 : પ્રતિષ્ઠિત એશિઝ ટ્રોફી પર ઓસ્ટ્રેલિયાએ વર્ચસ્વ સાથે 4-1થી કબજો જમાવ્યો છે. સિરીઝના પાંચમા અને અંતિમ ટેસ્ટમાં આજે મેચના પાંચમા દિવસે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાનો પ વિકેટે સંગીન વિજય થયો હતો. ઓસ્ટ્રેલિયાને 160 રનનું વિજય લક્ષ્યાંક મળ્યું હતું જે તેણે પ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું. પહેલી ઇનિંગમાં 163 અને બીજી ઇનિંગમાં 29 રન કરનાર ટ્રેવિસ હેડ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો જ્યારે કુલ 31 વિકેટ લેનાર અને 1પ6 રન કરનાર મિચેલ સ્ટાર્ક પ્લેયર ઓફ સિરીઝ બન્યો હતો.

આજે સિડની ટેસ્ટના આખરી દિવસે ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 88.2 ઓવરમાં 342 રને સમાપ્ત થયો હતો. સદીવીર યુવા ખેલાડી જેકબ બેથેલ 26પ દડામાં 1પ ચોક્કાથી 1પ4 રને આઉટ થયો હતો. મેથ્યૂ પોટ્સ 18 રને નોટઆઉટ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક અને વેબસ્ટરે 3-3 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાને પહેલા દાવમાં 183 રનની સરસાઇ મળી હતી. આથી તેને 160 રનનો વિજય લક્ષ્ય મળ્યો હતો.

જો કે ઓસ્ટ્રેલિયા તરફથી કોઈ બેટર મોટી ઇનિંગ રમી શકયો ન હતો, પણ સંકટ વિના 31.2 ઓવરમાં પ વિકેટ ગુમાવી 161 રન કરી પ વિકેટે જીત નોંધાવી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ એશિઝ સિરીઝ 4-1થી કબજે કરી હતી. ટ્રેવિસ હેડે 29, જેક વદરલેન્ડે 34, લાબુશેને 37, કેપ્ટન સ્મિથે 12 અને ઉસ્માન ખ્વાઝાએ કેરિયરની આખરી ઇનિંગમાં 6 રન કર્યા હતા. ગ્રીન 22 અને કેરી 16 રને નોટઆઉટ રહ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી જોશ ટંગને 3 વિકેટ મળી હતી.

ઇંગ્લેન્ડના પહેલા દાવમાં 384 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાના પ67 રન થયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક