• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

2017 બાદથી ભારત ભૂમિ પર વન ડે જીત માટે તરસતી કિવિઝ ટીમ

કાલે વડોદરામાં પહેલી ટક્કર : બીસીબી સ્ટેડિયમની સપાટ પીચ પર રનના ઢગલાની વકી

વડોદરા, તા.9 : ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 3 મેચની વન ડે શ્રેણીનો તા. 11મી રવિવારથી પ્રારંભ થશે. શ્રેણીનો પહેલો મેચ અત્રેના બીસીએ સ્ટેડિયમ પર રમાશે. આ મેદાન પરનો આ પહેલો પુરુષ ઇન્ટરનેશનલ વન ડે મેચ બની રહેશે. ભારતીય ટીમમાં બે સિતારા ખેલાડી વિરાટ કોહલી અને રોહિત શર્મા સામેલ હોવાથી વડોદરાવાસીઓમાં આ મેચને લઇને જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમ હાઉસફૂલ થઇ ચૂકયું છે. ઓનલાઇન અને ઓફલાઇન ટિકિટનું વેચાણ બંધ થઈ ચૂકયું છે. આ દરમિયાન એવા રિપોર્ટ સામે આવ્યા છે કે બીસીએ સ્ટેડિયમની પીચ પર બેટધરોને વધુ મદદ મળશે. પીચ સૂકી અને સપાટ જેવી હશે. આથી ટોસ જીતનાર ટીમ પ્રથમ દાવ લેવાનું પસંદ કરી શકે છે અને 300 ઉપરનો સ્કોર કરવાનું લક્ષ્ય રાખશે.

વર્ષ 2024માં આ સ્ટેડિયમ પર ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે વન ડે મુકાબલો રમાઈ ચૂક્યો છે. 200 કરોડના ખર્ચે આ સ્ટેડિયમ તૈયાર થયું છે અને 40,000 દર્શકોને બેસવાની ક્ષમતા છે. મહિલા આઇપીએલના બીજા તબકકાના મેચ અહીં રમાવાના છે.

હેડ ટૂ હેડ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 120 વન ડે મેચ રમાયા છે. જીતના મામલે ટીમ ઇન્ડિયાનું પલડું ભારે છે. ભારતની 62 અને ન્યુઝીલેન્ડની પ0 મેચમાં જીત છે. 7 મેચ અનિર્ણિત રહ્યા છે જ્યારે એક મેચ ટાય થયો છે. ઘરેલુ જમીન પર ભારતનો રેકોર્ડ જોરદાર છે. ભારતે હોમ ગ્રાઉન્ડ પર કિવિઝ ટીમ વિરુદ્ધ 41 વન ડે મેચ રમ્યા છે. જેમાંથી 31 મેચમાં જીત હાંસલ કરી છે. આ સામે કિવિઝને ફક્ત 8 મેચમાં જીત નસીબ થઈ છે. બે મેચ રદ થયા છે. ભારતની ધરતી પર ન્યુઝીલેન્ડ ટીમ 2017થી કોઈ વન ડે મેચ જીતી શકી નથી. છેલ્લે 2017માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 6 વિકેટે જીત મેળવી હતી. એ પછીથી કિવિઝ ટીમ ભારત ભૂમિ પર વન ડે ફોર્મટમાં જીત માટે તરસી રહી છે.

રાજકોટમાં કિવિઝના

સૌથી વધુ રન

ભારતની ધરતી પર ન્યુઝીલેન્ડનો વન ડે ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર 9 વિકેટે 349 રન છે. જે મેચ 1999માં રાજકોટના માધવરાય સિંધિયા સ્ટેડિયમ - રેસકોર્સ ખાતે રમાયો હતો જ્યારે સૌથી ઓછો સ્કોર 2016માં વિશાખાપટ્ટનમ ખાતે 79 રન કર્યો હતો.

વડોદરામાં 15 વર્ષ પછી

પુરુષ ઇન્ટરનેશનલ મેચ

વડોદરાની ધરતી પર 1પ વર્ષના લાંબા અંતરાલ પુરુષ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાશે. અહીં છેલ્લે 2011માં ઇન્ટરનેશનલ મેચ રમાયો હતો ત્યારે પણ વન ડે ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા સામે ન્યુઝીલેન્ડ ટીમ હતી. આ મેચમાં ભારતની જીત થઈ હતી. ટીમ ઇન્ડિયાના વર્તમાન કોચ ગૌતમ ગંભીરે એ મેચમાં મેચ વિનિંગ સેન્ચૂરી કરી હતી અને પ્લેયર ઓફ ધ મેચ બન્યા હતા જ્યારે વિરાટ કોહલીએ અણનમ 63 રન બનાવ્યા હતા.

 સોમવારે બન્ને ટીમનું રાજકોટમાં આગમન

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની શ્રેણીનો બીજો મેચ રાજકોટમાં તા. 14મીએ બુધવારે મકર સંક્રાંતિ પર્વ પર રમાશે. રાજકોટ પતંગપ્રેમી શહેર છે. આમ છતાં આ મેચની તમામ ટિકિટ ચપોચપ વેચાઈ ગઈ છે. નિરંજન શાહ સ્ટેડિયમ હાઉસફૂલ થઈ ચૂક્યું છે. વડોદરાની જેમ રાજકોટમાં પણ વિરાટ-રોહિતનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. વડોદરાથી બન્ને ટીમ સ્પાઇસ ઝેટના બે ખાસ વિમાનમાં 12મીએ બપોર પછી રાજકોટ પહોંચશે. શ્રેણીનો ત્રીજો અને અંતિમ વન ડે મેચ ઇન્દોરના બારામતી સ્ટેડિયમ પર તા. 18મીએ રવિવારે રમાશે. જે માટે બન્ને ટીમ રાજકોટથી 1પમીએ રવાના થશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક